સુરતમાં પરપ્રાંતિયનું હુમલાને કારણે નહી, અકસ્માતે મોત નિપજ્યું છે: પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું છે કે, સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે. જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નીંદનીય છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે શનિવારે સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય પર હુમલો કરી હત્યા કરી હોવાની અફવા ફેલાઇ હતી. જે અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા આપી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું છે કે, સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે. જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નીંદનીય છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં છ કરોડ ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવતા નાગરિકોનું પણ યોગદાન રહ્યું છે ત્યારે સૌને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રાજયમાં પરપ્રાંતિય પર જે હુમલાના બનાવો થયા છે તેમાં સુરત ખાતે એક પણ બનાવ બન્યો નથી. ગઇકાલે જે કમનસીબ ઘટના બની છે તેમાં બિહારી નાગરિકનું મોત થયું છે તે નાગરિક વર્ષોથી સુરતમાં રહેતા હતા. તેઓ પૂરપાર ઝડપે બાઇક લઇને નીકળ્યા હતા અને તેમનું બાઇક પહેલા ઝાડ સાથે અને ત્યારબાદ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. આ કમનસીબ ઘટનાને પરપ્રાંતિયના હુમલા સાથે જોડવાનો નીંદનીય પ્રયાસ થઇ રહ્યો છે જે અત્યંત દુ:ખદ છે.
તેમણે ઉમેર્યું હતું કે સુરત શહેરમાં વર્ષોથી ઘણા ઉત્તર ભારતીય નાગરિકો રહે છે અને ક્યારેય પણ આવા બનાવો બન્યા નથી. સાથે સાથે રાજ્યમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં આવા હુમલાનો કોઇ બનાવ બન્યો નથી. જેના પરિણામે રાજ્યમાં ભાઇચારાની ભાવના બળવતર બની છે અને નાગરિકો કોઇપણ જાતના ભય વગર શાંતિથી જીવનનિર્વાહ કરી રહ્યા છે અને ગયેલા લોકો પણ પરત ફર્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે