'ઉડતું ગુજરાત': સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં રેડ પાડી 100થી વધુ યુવાનોની કરી અટકાયત

ઝી 24 કલાકના 'ઉડતું ગુજરાત' અહેવાલ બાદ સફાળી જાગી ઉઠેલી સુરત પોલીસ શહેરના નશો કરવાના વિવિધ સ્થળો પર શનિવારે મોડી રાત્રે અચાનક રેડ પાડીને કાર્યવાહી કરી હતી 
 

'ઉડતું ગુજરાત': સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં રેડ પાડી 100થી વધુ યુવાનોની કરી અટકાયત

સુરતઃ સુરત શહેરમાં પોલીસે પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં એકસાથે રેડ પાડી હતી. જેમાં અંદાજે વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ યુવાનોને અટકમાં લેવામાં આવ્યા છે. પકડાયેલા આ યુવાનોમાંથી કેટલાકની પાસેથી વાંધાજનક ડ્રગ્સ પણ પકડાયું છે. 

ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા તાજેતરમાં જ 'ઉડતું ગુજરાત' નામનો એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના પ્રમુખ શહેરોમાં ચાલી રહેલા ડ્રગ્સના કારોબાર અને શહેરમાં કઈ-કઈ જગ્યાએ આવા નશાકારક પદાર્થોનો વેપાર થઈ રહ્યો છે તેની વિગતો પણ જણાવવામાં આવી હતી. આ અહેવાલ પછી સફાળી જાગી ઉઠેલી સુરત પોલીસ શહેરના નશો કરવાના વિવિધ સ્થળો પર શનિવારે મોડી રાત્રે અચાનક રેડ પાડીને કાર્યવાહી કરી હતી.

સુરત પોલીસ દ્વારા અત્યંત ગુપ્ત રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનની માત્ર કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ જાણ હતી. સાંજે પોલીસ કર્મચારીઓની વિવિધ ટીમો બનાવીને શહેરના પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને જુદા-જુદા વિસ્તારમાંથી મળીને કુલ 100થી વધુ યુવાનોને પકડી પાડ્યા હતા. 

સુરત પોલીસ આ તમામ પકડાયેલા યુવાનોને હાલ ઉમરા પોલીસ મથકે લઈ ગઈ છે અને હવે ત્યાંથી તેમનો મેડિકલ ચેકઅપ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

આ અંગે માહિતી આપતાં સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું કે, પોલીસ દ્વારા અત્યંત ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ યુવાનોને નશાકારક દ્રવ્યો સાથે પકડી લેવાયા છે. હાલ આ તમામનો મેડિકલ ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરાઈ છે. પકડવામાં આવેલા મોટાભાગના યુવાનો માલેતુજાર પરિવારના છે. 

સુરત પોલીસ દ્વારા પકડવામાં આવેલા યુવાનો માલેતુજાર પરિવારના હોવાના કારણે હાલ પોલીસ ઉપર ચારે તરફથી વિવિધ પ્રકારનું દબાણ પણ કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોલીસ કાર્યવાહી કરી રહી હોવાથી હજુ સુધી આ યુવાનોના નામ જાણવા મળ્યા નથી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news