રાજ્યમાં વીજળી પડવાની ઘટનામાં ત્રણનાં મોત, અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં આ વખતે પણ ચોમાસું નબળું રહ્યું છે અને હજુ પણ અનેક વિસ્તારમાં સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો નથી, શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો હતો. 
 

રાજ્યમાં વીજળી પડવાની ઘટનામાં ત્રણનાં મોત, અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદઃ શનિવારે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં ત્રણનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં આ વખતે પણ ચોમાસું નબળું રહ્યું છે અને હજુ પણ અનેક વિસ્તારમાં સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો નથી, શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી. 

વિજળી પડતા ત્રણનાં મોત
શનિવારે બોટાદના તુરખા ગામે વીજળી પડતાં બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. ખેતરમાં આવેલા તેમના ઝુંપડા ઉપર જ્યારે વીજળી પડી ત્યારે પિતરાઈ ભાઈઓ ઝુંપડાની અંદર હતા અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત, દેવગઢ બારિયા તાલુકાના ઝાપટીયા ગામે પશુધન ચરાવતી મહિલા પર અવકાશી વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહિલાનું મોત નિપજતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, મોરબી જિલ્લાના માળીયાના રાસંગપર ગામે આકાશમાંથી વિજળી પડી હતી, પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. 

શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ

  • મોરબી જીલ્લાના માળીયા, સુલતાનપુર, અણીયારી, સરવડ સહિતના ગામમાં વરસાદ.
  • ઉનાના મચ્છુન્દ્રી ડેમની આજુબાજુના વિસ્તારમાં 1 ઈંચ તો જામવાળામાં 1.5 ઇંચ વરસાદ.
  • ગીર જંગલમાં મેઘાએ જમાવટ કરતાં ઝરણાં વહેતાં થયાં.
  • દ્વારકાના ભાણવડમાં વરસાદ.
  • જામનગરના જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ.
  • દેવભૂમિ દ્વારકા નાં ખંભાળિયા આસપાસના આંબરડી, ભરથલ, કેશોદમાં વરસાદ.
  • અમરેલીના બગસરા, સાવરકુંડલા, જાંબાળ, કૃષ્ણગઢ, અભરામપરા, ગાધકડા, શાંતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ. 
  • ડાંગ જિલ્લાના આહવા અને સુબિરમાં ધોધમાર વરસાદ.
  • સુરત શહેરમાં ભારે ઉકળાટ પછી ધીમીધારે વરસાદી ઝાપટા. 

નર્મદા પાણી રાજકારણઃ નર્મદા મુદ્દે સમજી-વિચારીને ટિપ્પણી કરવી જોઈએ- નીતિન પટેલ 

ઉત્તર ગુજરાતમાં આંશિક વરસાદથી રાહત
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના વઢિયાર, શંખેશ્વર પંથક, સાબરકાંઠાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તુટી પડતાં ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને ભારે રાહતનો અનુભવ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ રાઉન્ડમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા પંથક, આણંદ, ખેડા, બોટાદ સહિતના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. જેના કારણે આ વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news