શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું

શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગૌરવ પટેલ/અમદાવાદ: યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા અમદાવાદમાં પોતાના નવા મિશન સાથે આવ્યા હતા. અમદાવાદમાં રાષ્ટ્રમંચ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્રમંચ એ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન નથી તેવુ યશવંત સિંહાએ જણાવ્યું હતું. ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું હતુ. તો બીજી તરફ શત્રુઘ્ન સિન્હાએ પણ પીએમ મોદી પર સીધા પ્રહારો કર્યા હતા.

યશવંત સિન્હાના ગુજરાત સરકાર પર આકરા પ્રહારો...
અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યશવંત સિન્હાએ આ પરિસ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, 'ગુજરાતના વિકાસમાં ઉતર ભારતીયોનું યોગદાન છે. અમે અહીની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે શાંતિ સ્થિતિનું નિર્માણ થાય. જે લોકો પલાયન થઇ ગયા છે તેઓને વિશ્વાસ સંપાદિત કરી પરત બોલાવાય. ગુજરાતમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે આખા દેશમાં ચિંતાનો વિષય છે. ઉત્તર ભારતના લોકોનું જે પલાયન થઇ રહેયું છે, તે યોગ્ય નથી. એક ભયાનક ઘટનાને કોઇ દ્વારા અંજામ આપવામાં આવ્યો તે નિંદનીય છે, પણ આખા સમુદાયને ટાર્ગેટ કરવું યોગ્ય નથી. જે લોકો ડરીને ચાલ્યા ગયા છે તેમને પરત બોલાવવા જોઇંએ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રદેશ સરકારની હોય છે. આવનારા સમયમાં સાચી વાત સામે આવશે ત્યારે ખબર પડશે કે કોણ કેટલું દોષી છે.

યશવંત સિન્હાએ ગાંધીજીનું નામ ટાંકીને કહ્યું કે, ઉત્તર ભારત સાથે ગુજરાતનો નજીકનો સંબંધ છે. ગાંધીજીએ ચંપારણથી આંદોલનની શરૂઆત કરી હતી, એ પણ એક માઇગ્રન્ટ હતું. દેશના વડાપ્રધાન પણ વારાણસીથી ચૂંટાયા છે. પીએમ મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, આ દેશમાં પ્રજાતંત્ર અને પ્રજાતંત્ર મુલ્ય સચવાતા નથી. 

તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂપિયાના ગગડતા મુલ્ય અંગે કહેતા હતા કે રૂપિયો આઇસીયુમા છે. તો આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ગગડી રહ્યું છે તો રૂપિયો ક્યાં દાખલ છે. વિપક્ષમાં રહી જે યોજના પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા, એ યોજના પર હાલ નામ બદલીને કામ ચાલી રહ્યું છે.

શત્રુઘ્ન સિન્હાનું સંબોધન
શત્રુઘ્ન સિન્હાએ વિરોધી રાગ આલાપતા કહ્યું કે, ઉત્તર ભારતમાં આ લોકોનું રાજકીય ભવિષ્ય નથી ત્યાથી પંક અપ કરવું પડશે. વ્યક્તિથી મોટી પાર્ટી અને પાર્ટીથી મોટો દેશ હોય તો અમારામાં ભેદ ક્યાં. હું પણ દેશના વિકાસની જ વાત કરું છું. પ્રધાન બનાવથી કોઇ મોટો વિદ્વાન નથી બની જતો. જે વાત હું કરૂ છું એ રાષ્ટ્ર માટે કરું છું. મે મંત્રી બનવા માટે નથી કર્યું. હું મંત્રી બનવા માંગતો નથી. મારા માટે મંત્રી બનવું કોઇ મોટી વાત પણ નથી. આજે જેઓ મંત્રી છે તેઓને કોઇ જાણતું નથી. આવા મંત્રીઓનો કોઇ અર્થ નથી. અમે અટલ બિહારીના રસ્તે ચાલીશું. હું પાર્ટી નથી છોડવાનો, પણ જો અનુશાસનના નામે તેઓ પાર્ટીમાંથી કાઢી મૂકશે તો નીકળી જઈશ. અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે. મારે કંઈ નથી જોઈતું, હું દેશનું ભલું ઇચ્છુ છું. ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને તેને કંટ્રોલમાં લેવાની ક્ષમતા આ સરકારમાં નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news