JNU હિંસા એ સરકાર પ્રાયોજિત આતંક અને ગુંડાગીરી, ન્યાયિક તપાસ થવી જોઈએ: કોંગ્રેસ

સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જેએનયુના વિદ્યાર્થીઓને નિર્દયતાથી પીટાઈ કરાવે છે. અંહકારી સરકારની ખુરશી આજે ડગુમગુ થઈ રહી છે. જેએનયુના વિદ્યાર્થીઓ પર નકાબપોશ ગુંડાઓએ હુમલો કર્યો. દિલ્હી પોલીસ હિંસાને ચૂપચાપ જોતી રહી. મોદી સરકાર યુવાઓનો અવાજ દબાવવા માંગે છે. 

Updated By: Jan 6, 2020, 12:38 PM IST
JNU હિંસા એ સરકાર પ્રાયોજિત આતંક અને ગુંડાગીરી, ન્યાયિક તપાસ થવી જોઈએ: કોંગ્રેસ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં રવિવારે સાંજે થયેલી હિંસાને લઈને કોંગ્રેસ (Congress)  પાર્ટીએ સોમવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા (Randeep surjewala) એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પૂછ્યું કે હિંસા દરમિયાન 150થી વધુ વાર દિલ્હી પોલીસને કોલ કરવામાં આવ્યાં હતાં. 

સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જેએનયુના વિદ્યાર્થીઓને નિર્દયતાથી પીટાઈ કરાવે છે. અંહકારી સરકારની ખુરશી આજે ડગુમગુ થઈ રહી છે. જેએનયુના વિદ્યાર્થીઓ પર નકાબપોશ ગુંડાઓએ હુમલો કર્યો. દિલ્હી પોલીસ હિંસાને ચૂપચાપ જોતી રહી. મોદી સરકાર યુવાઓનો અવાજ દબાવવા માંગે છે. 

કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે "જેએનયુ હિંસાની પાછળ સરકારનો હાથ હતો. સુરજેવાલાએ કહ્યું કે સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી છે. આ બધુ ગૃહમંત્રી અમિત શાહના ઈશારે થયું છે. આ દેશના યુવાઓને અમિત શાહની તપાસ પર ભરોસો નથી. અમે માગણી કરીએ છીએ કે હિંસાની ન્યાયિક તપાસ થવી જોઈએ. તે પણ દિલ્હી હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં."

તેમણે  કહ્યું કે જેએનયુ અને જામિયા સુધી આ સિમિત નથી. દેશની અનેક શિક્ષણ સંસ્થાઓમાં આવો અવાજ ઉઠી રહ્યો છે જેને દબાવવા માટે સરકારના ઈશારે આવું થઈ રહ્યું છે. સરકાર વિદ્યાર્થીઓ અને યુવાઓનો અવાજ દબાવવા માંગે છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજજી ગઈ કાલે કેમ્પસની બહાર હતાં. તેમણે આ બધુ પોતાની નજરે જોયું હતું. 

ત્યારબાદ ઉદિત રાજે જણાવ્યું કે હું જેએનયુ ગેટની બહાર હતો અને અમને અંદર જવા દીધા નહીં. પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી. ગુંડાઓ અંદર આતંક મચાવીને સરળતાથી બહાર નીકળી રહ્યાં હતાં. અંદરથી મને મારા મિત્રોના ફોન આવી રહ્યાં હતાં કે પોલીસને મોકલો અહીં ગુંડાઓએ હુમલો કર્યો છે. 

પહેલુ રાજીનામું પડ્યું
જેએનયુમાં રવિવારે રાતે ભડકેલી હિંસા બાદ પહેલું રાજીનામું પડ્યું છે. સાબરમતી હોસ્ટેલના સીનિયર વોર્ડન આર મીણાએ રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં 34 વિદ્યાર્થીઓ અને શિક્ષક ઘાયલ થયા છે. આર મીણાએ પોતાના રાજીનામામાં કહ્યું છે કે હું સાબરમતી હોસ્ટેલના સીનિયર વોર્ડન પદેથી રાજીનામું આપું છું, મે હોસ્ટેલને સુરક્ષા આપવાની કોશિશ કરી પરંતુ ન આપી શક્યાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....