Corona Update: કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતને હજુ પણ કોરોનાની રસીનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે એક સારા સમચાર સામે આવ્યા છે. દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
જાન્યુઆરીમાં આવી જશે રસી!
ભારતમાં રસી પર ચાલી રહેલા ટ્રાયલ પર ડો.હર્ષવર્ધને કહ્યું કે તમામ ચીજો જોતા આપણે સારી સ્થિતિમાં છીએ. રસી પર આખી દુનિયામાં 300થી વધુ ટ્રાયલ ચાલુ છે. ભારતમાં રસીના રિસર્ચ અને ડેવલપમેન્ટનું સ્તર કોઈ પણ દેશ કરતા ઉતરતું નથી. રસીના મામલે ભારત સુરક્ષાને લઈને કોઈ સમાધાન નહીં કરે. મને લાગે છે કે 2021 જાન્યુઆરી સુધીમાં ભારતના લોકોને રસીના શોટ મળી શકે છે.
દુનિયાનો સૌથી મોટો રસી કાર્યક્રમ ચલાવે છે ભારત
કોરોનાની રસી અગાઉ ડો.હર્ષવર્ધને પોલીયો રસીની સફળતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે આપણે સફળતાપૂર્વક લાખો બાળકોને એક દિવસમાં પોલીયોની રસી આપી. આપણે પોલીયો મુક્ત થયા. આપણે દુનિયાનો સૌથી મોટો રસી કાર્યક્રમ ચલાવીએ છીએ. આપણી યોગ્યતા અને ક્ષમતામાં કોઈ પણ પ્રકારની કમી નથી.
રસીકરણ સેન્ટર પર ટીમ થઈ રહી છે તૈયાર
લોકો સુધી રસીને પહોંચાડવાની તૈયારીઓને લઈને આરોગ્યમંત્રીએ કહ્યું કે આપણે નીચલા સ્તર સુધી લોકોને તૈયાર કર્યા છે. આ માટે જે એપ તૈયાર કરવામાં આવી તેમા અનેક પ્રકારની અપડેટ ઉપર પણ કામ કરી ચૂક્યા છીએ. આપણી પાસે રસી સ્ટોર કરવા માટે 28થી 29 હજાર કોલ્ડ ચેનના પોઈન્ટ્સ છે. આ ઉપરાંત રસી સેન્ટર પર રસી આપનારી ટીમ સાથે ઈમરજન્સી કેસ હેન્ડલ કરવા ખુબ વિગતો પર કામ થઈ રહ્યું છે. ડો. હર્ષવર્ધને એ પણ જણાવ્યું કે આદરણીય પ્રધાનમંત્રી પોતે અમારી સાથે વાત કરે છે અને અમને માર્ગદર્શન આપે છે.
હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલા મળશે રસી
કોરોના રસી બધાએ લગાવવી જરૂરી છે કે નહીં તેના પર ડો.હર્ષવર્ધને કહ્યું કે જો રસી ઓછી હશે અને સંખ્યા વધુ હશે તો આપણે પ્રાથમિકતા આપવી પડશે. સૌથી પહેલા 30 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા અપાશે. ત્યારબાદ 50 વર્ષથી ઉપરની 26 કરોડ જનસંખ્યા આવશે. જે લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના છે અને ગંભીર બીમારીઓથી પીડિત છે તેમને પણ પહેલા રસી આપવામાં આવશે. રસી મૂકાવવા માટે કોઈને ફોર્સ કરાશે નહીં. લોકો પર નિર્ભર છે કે તેઓ રસી મૂકાવવા માંગે છે કે નહીં. અમે ફક્ત લોકોને રસી અંગે શિક્ષણ અને માર્ગદર્શન આપીશું. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કોવિડ કવચ યોજનામાં 900 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ઉપરાષ્ટ્રપતિએ પણ જલદી રસી આવવાની છે એવી કરી હતી વાત
વૈંકેયા નાયડુએ પણ રસી મામલે કહ્યું હતું કે, દેશમાં ટૂંક સમયમાં કોરોનાની રસી આવવાની છે જેની મને ખુશી છે. આ પહેલાં પણ કેન્દ્રીય આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, છે કે સાત મહિનામાં અમારી પાસે લગભગ 30 કરોડ આબાદીને રસી આપવાની ક્ષમતા હશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, છ વેક્સીન ક્લીનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે. જ્યારે 3 વેક્સીન પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં છે. થોડા સમયમાં અમુક વેક્સીનને લાયસન્સ મળી જવાની પણ વાત કરી હતી.
કોરોનાના નવા 24,337 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24,337 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના કેસનો આંકડો 1,00,55,560 પર પહોંચ્યો છે. જેમાંથી 96,06,111 લોકો સાજા થઈ ગયા છે જ્યારે 3,03,639 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 333 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,45,810 થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે