પદની લાલસા નથી, પાર્ટી પોસ્ટ આપી શકે છે તો લઈ પણ શકે છે- સચિન પાયલટ

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ સોમવારે કહ્યું કે પદને લઈને તેમને કોઈ લાલસા નથી અને આશા છે કે સમસ્યાનો જલદી ઉકેલ આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે તેમના અને તેમના સમર્થકો દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં હતાં તે સૈદ્ધાંતિક હતાં અને તે અંગે કોંગ્રેસ હાઈકમાનને માહિતગાર કરાયા છે. 

Updated By: Aug 11, 2020, 08:29 AM IST
પદની લાલસા નથી, પાર્ટી પોસ્ટ આપી શકે છે તો લઈ પણ શકે છે- સચિન પાયલટ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ સોમવારે કહ્યું કે પદને લઈને તેમને કોઈ લાલસા નથી અને આશા છે કે સમસ્યાનો જલદી ઉકેલ આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે તેમના અને તેમના સમર્થકો દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં હતાં તે સૈદ્ધાંતિક હતાં અને તે અંગે કોંગ્રેસ હાઈકમાનને માહિતગાર કરાયા છે. 

સચિન પાયલટે કરી રાહુલ અને પ્રિયંકા સાથે મુલાકાત, ઘર વાપસીના પ્રયત્નો તેજ

કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મુલાકાત બાદ પાયલટે પત્રકારોને કહ્યું કે "સરકાર અને સંગઠનના અનેક એવા મુદ્દાઓ હતાં કે જેમને અમે રેખાંકિત કરવા માંગતા હતાં. પછી ભલે દેશદ્રોહનો મામલો હોય, એસઓજી તપાસનો વિષય હોય કે પછી કામકાજને લઈને આપત્તિઓ હોય, તે બધા અંગે હમે હાઈકમાનને જણાવ્યું."

પાયલટે કહ્યું કે "અમે શરૂઆતથી જ એ વાત કરી છે કે જે અમારા મુદ્દા છે તે સૈદ્ધાંતિક છે. મને લાગતું હતું કે તે પાર્ટીના હિતમાં છે અને તેને ઉઠાવવા ખુબ જરૂરી છે. અમે આ તમામ વાતો હાઈકમાન સમક્ષ રજુ કરી છે."

તેમણે કહ્યું કે 'સમગ્ર પ્રકરણ દરમિયાન અનેક વાતો કરવામાં આવી અને એટલે સુધી કે મારા વિષે પણ ઘણી વાતો કરવામાં આવી. વ્યક્તિગત રીતે કેટલીક એવી વાતો પણ કરાઈ જેનાથી મને ખુબ ખરાબ લાગ્યું. પરંતુ સંયમ જાળવવો જોઈએ. રાજકારણમાં વ્યક્તિગત  દુર્ભાવનાને કોઈ જગ્યા નથી. અમે લોકોએ પાંચ વર્ષ સુધી મહેનત કરીને આ સરકાર બનાવી છે. આ સરકારમાં બધાની ભાગીદારી છે.'

જુઓ LIVE TV

પાયલટે કહ્યું કે મને ખુશી છે કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમારી વાત સાંભળી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અમે બધાએ વિસ્તારથી ચર્ચા કરી. વિધાયકોની વાતોને યોગ્ય મંચ પર રજુ કરાઈ છે. મને આશ્વાસન અપાયું છે કે ત્રણ સભ્યોની સમિતિ બનાવીને તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે. 

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 'પાર્ટી પદ આપે છે, પાર્ટી પદ લઈ પણ શકે છે. મને પદની બહુ લાલસા નથી. અમે ઈચ્છીએ છીએ કે જે માન સન્માન અને સ્વાભિમાનની વાત થાય છે તે જળવાઈ રહે. પંદર વર્ષથી પાર્ટી માટે જે મહેનત કરી છે તેને પાર્ટી પણ જાણે છે.'

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે 'મને લાગતું હતું કે દોઢ વર્ષની સરકારમાં કામ કર્યા બાદ મારો અનુભવ રહ્યો છે, તે હું કોંગ્રેસ હાઈકમાન પાસે લઈને જઉ. મને લાગે છે કે તેનુ નિરાકરણ આવશે.'

મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા કરાયેલા હુમલા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે 'અમે ક્યારેય એવી ભાષાનો ઉપયોગ કે આચરણ કર્યું નથી જે અમારા માટે યોગ્ય નથી.' 

તેમણે કહ્યું કે આપણે કેવી રીતે વચનો પૂરા કરીએ તે આપણી જવાબદારી બને છે. પાર્ટીએ જે વચનો આપ્યા હતાં તે પૂરા કરવા જરૂરી છે. મને લાગે છે કે જલદી સમસ્યાનું સમાધાન થઈ જશે. આ બધા વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સી વેણુગોપાલે પાયલટ સાથે બેઠક બાદ કહ્યું કે કોંગ્રેસ એક બીજાનું પરસ્પર સન્માન કરતા એકજૂથ થઈને આગળ વધશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube