World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટાઈગર ડે નિમિત્તે કહ્યું કે, 'ભારત વાઘ માટે એક સુરક્ષિત સ્થાન છે. આ કહાની 'એક થા ટાઈગર'થી શરૂ થઈને 'ટાઈગર જિંદા હૈ' સુધી પહોંચે છે અને આટલેથી અટકશે નહીં.'
Trending Photos
નવી દિલ્હીઃ આજે દુનિયાભરમાં 'વાઘ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને 'વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે 'વિશ્વ વાઘ દિવસ' મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને 'વિશ્વ વાઘ દિવસ' તરીકે મનાવાય છે. ભારતમાં કુલ વાઘની સંખ્યા 2967 થઈ ગઈ છે.
વિશ્વ વાઘ દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓલ ઈન્ડિયા એસ્ટિમેશન-2018' રજુ કર્યું છે અને જણાવ્યું કે, "9 વર્ષ પહેલા સેન્ટ પીટર્સબર્ગમાં એ નિર્ણય લેવાયો હતો કે વાઘની વસતીમાં વધારો કરવા માટે હવે દર વર્ષે 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે મનાવવામાં આવશે. તેમણે 2022 સુધી વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું અને ભારતે તેને 9 વર્ષમાં જ પુરું કરી લીધું છે. ભારત વાઘ માટે એક સુરક્ષિત સ્થાન છે. આ કહાની 'એક થા ટાઈગર'થી શરૂ થઈને 'ટાઈગર જિંદા હૈ' સુધી પહોંચે છે અને આટલેથી અટકશે નહીં. 5 વર્ષમાં સંરક્ષિત વિસ્તારોમાં વાઘની સંખ્યા 692થી વધીને 860 થઈ છે."
વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ટાઈગર ડે નિમિત્તે દેશમાં વાઘની વસતી અંગે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર હવે ભારતમાં વાઘની કુલ સંખ્યા 2967 થઈ છે. મધ્યપ્રદેશ 526 વાઘ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી વાઘની વસતી ગણતરીના આકલન રિપોર્ટમાં મધ્યપ્રદેશને ફરીથી 'વાઘ પ્રદેશ'નો દરજ્જો આપવા બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે રાજ્યના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોનાં અભયારણ્યોના મેનેજમેન્ટ સાથે જોડેયેલા અધિકારીઓ-કર્મચારીઓને ખાસ અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'પન્ના ટાઈગર રિઝર્વ' દ્વારા વાઘ સંરક્ષણમાં અનોખું કામ કરવામાં આવ્યું છે, જે વન્યજીવ પ્રબંધન અને સંરક્ષણનું ઉદાહરણ બની ગયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઘ મધ્યપ્રદેશની ઓળખ છે. એ પણ સાબિત થયું છે કે, મધ્યપ્રદેશના જંગલો વાઘ અને અન્ય વન્ય જીવો માટે સૌથી સુરક્ષિત નિવાસસ્થાન છે. તેમણે નાગરિકોને પણ આગ્રહ કર્યો કે, તેઓ પર્યાવરણ સંરક્ષણ માટે હંમેશાં તત્પર રહે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે