પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

પેરિસમાં આવેલા વિશ્વના સૌથી પ્રાચીન અને ખ્રિસ્તી સમુદાયમાં ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવતા 'નોટ્રે-ડેમ કેથેડ્રલ'માં ગઈકાલે અચાનક જ ભીષણ આગ લાગી ગઈ હતી અને આ આગમાં ચર્ચનો વિશાળ ગુંબજ અને છત ધરાશાયી થઈ ગયા હતા, અગ્નિશમન દળના કર્મચારીઓ ચર્ચની મુખ્ય ઈમારત અને બે મીનારા બચાવામાં સફળ થયા હતા 

પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

પેરિસઃ ફ્રાન્સના પેરિસમાં આવેલા 850 વર્ષ જૂના વિશ્વપ્રસિદ્ધ ચર્ચ 'નોટ્રે-ડેમ કેથેડ્રલ'માં સોમવારે સાંજે ભીષણ આગ લાગવાને કારણે ચર્ચનો ગુંબજ અને છત તુટી પડી હતી. જોકે, અગ્નિશમન દળના કર્મચારીઓ ચર્ચની મુખ્ય ઈમારત અને બે મીનારા બચાવામાં સફળ થયા હતા. તેમણે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ ઘટના પર વિશ્વના ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

આ આગ એટલી ભીષણ હતી કે, 12 સદીની વાસ્તુ કળાનો આ સર્વશ્રેષ્ઠ નમૂનાને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાથી સ્થાનિક ખ્રિસ્તી સમુદાયના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. 

વેટિકન પ્રવક્તા
વેટિકન સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે, "આ દુઃખની ઘડીમાં અમે ફ્રેન્ચ કેથોલિક્સ અને પર્શિયા સમુદાયની પડખે છીએ. અગ્નિશમન દળના કર્મચારીઓએ આ પૌરાણિક ઈમારતને બચાવવામાં જે મહેનત કરી છે તેની પ્રશંસા કરીએ છીએ."

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું કે, "પેરિસના નોટ્રે-ડેમ કેથેડ્રલમાં લાગેલી આગની તસવીરો જોઈને હું ભયભીત થઈ ગયો છું. પેરિસમાં વૈશ્વિક વારસાના આ ઉત્તમ ઉદાહરણ હતું. ફ્રાન્સના લોકો અને સરકાર સાથે મારી લાગણીઓ જોડાયેલી છે."

યુનેસ્કો પ્રમુખ ઓન્ડ્રે એજોલે
યુનેસ્કોના પ્રમુખ ઓડ્રે એજોલેએ પણ આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ફ્રાન્સના લોકો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. 

બરાક ઓબામા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે, "નોટ્રે-ડેમ કેથેડ્રલ દુનિયાના વૈશ્વિક વારસાની ઈમારતોમાંની એક છે અને આ દુઃખની ઘડીમાં અમે ફ્રાન્સના લોકોની સાથે છીએ. આપણે જ્યારે ઈતિહાસનો નાશ થતાં નજરે જોઈએ ત્યારે દુઃખ થતું હોય છે, પરંતુ આવતીકાલ માટે હાથમાં હાથ મિલાવીને ઊભા રહેવું પણ આપણો સ્વભાવ છે."

થેરેસા મે, બ્રિટિશ વડાપ્રધાન
બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ જણાવ્યું કે, "આજે રાત્રે મારી સંવેદનાઓ ફ્રાન્સના લોકો અને આપતકાલિન સેવાઓમાં જોડાયેલા લોકો સાથે છે." 

આ સાથે જ ઈજિપ્ત, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, સ્પેન, બેલ્જિયમ અને ઈરાને પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news