કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો, કાશ્મીર પર કોઈ ત્રીજો દેશ હસ્તક્ષેપ ન કરે: રશિયા
જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. આ અંગે રશિયાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે અમે ભારતની સાથે છીએ.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. આ અંગે રશિયાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે અમે ભારતની સાથે છીએ. કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. જમ્મુ અને કાશ્મીર પર કોઈ ત્રીજો દેશ હસ્તક્ષેપ ન કરે. ભારત અને પાકિસ્તાન શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર અંતર્ગત આ મામલાનો ઉકેલ લાવે.
રશિયાના રાજદૂત નિકોલે કુલાશેવે આજે કહ્યું કે કલમ 370 પર નિર્ણય એ ભારત સરકારનો સંપ્રભુતા નિર્ણય છે. તે ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર હેઠળ ઉકેલ લાવી શકાય છે. અમારા વિચાર બિલકુલ ભારત જેવા છે.
આ બાજુ ભારતમાં રશિયા દૂતાવાસના ઉપ પ્રમુખ રોમન બાબુસકિને પણ કહ્યું કે જ્યાં સુધી બંને દેશ મધ્યસ્થતા માટે ન કહે ત્યાં સુધી રશિયાની ભારત અને પાકિસ્તાન વિવાદમાં કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બંધ બારણે થયેલી બેઠક દરમિયાન અમે દોહરાવ્યું હતું કે કાશ્મીર ભારતનો એક આંતરિક મુદ્દો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. તેણે પહેલા સંયુક્ત રાષ્ટ્રના દરવાજા ખખડાવ્યાં પરંતુ ત્યાં કોઈ સફળતા મળી નહીં. આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે મધ્યસ્થતા ની રજુઆત કરી પરંતુ તાજેતરમાં જ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં સ્પષ્ટપણે કહી દીધુ કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને આ જ કારણે અન્ય કોઈ દેશને હસ્તક્ષેપ કરવાનું કષ્ટ આપતા નથી.
જુઓ LIVE TV
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢતાથી સ્પષ્ટ કર્યું કે કાશ્મીર મામલે ભારતને કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી. ભારતના આ વલણ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મધ્યસ્થતાના પોતાના પ્રસ્તાવથી હાથ પાછા ખેંચ્યા અને કહ્યું કે ભારત અને પાકિસ્તાને 'તેને જાતે ઉકેલી શકે છે.' ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે મારા બંને પીએમ મોદી અને પીએમ ઈમરાન ખાન સાથે સારા સંબંધ છે. મારું માનવું છે કે તેઓ પોતે જાતે તેનો ઉકેલ લાવી શકે છે. તેઓ તેને લાંબા સમયથી ઉકેલવાની કોશિશ કરી રહ્યાં છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જણાવ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને તેમને લાગે છે કે તેઓ પાકિસ્તાન સાથે સીધી રીતે આ સ્થિતિમાં પહોંચી વળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે