ફરી ગુજરાત આવશે અમિત શાહ, કચ્છ રણોત્સવમાં વિતાવશે 2 દિવસ

ફરી ગુજરાત આવશે અમિત શાહ, કચ્છ રણોત્સવમાં વિતાવશે 2 દિવસ
  • નવરાત્રિ બાદ ટૂંકા ગાળામાં જ અમિત શાહની આ બીજી ગુજરાતની મુલાકાત બની રહેશે.
  •  12 નવેમ્બરે ધોરડો ખાતે યોજનારા કાર્યક્રમ અંતર્ગત હવે ગૃહમંત્રી કચ્છ (kutch) માં રોકાણ કરશે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :નવરાત્રિ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી કચ્છમાં 2 દિવસ રોકાણ કરશે. આ વખતે તેઓ કચ્છના રણોત્સવમાં હાજરી આપશે. 12 નવેમ્બરે ધોરડો ખાતે યોજનારા કાર્યક્રમ અંતર્ગત હવે ગૃહમંત્રી કચ્છ (kutch) માં રોકાણ કરશે. આ માટે તેઓ આગામી દિવસે જ આવીને રાત્રિ રોકાણ પણ કરશે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ તા. 11 નવેમ્બરના રોજ રાત્રે ધોરડો આવશે. ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ કચ્છમાં આવશે અને ધોરડોની તંબુ નગરીમાં રાતવાસો કરે તેની તૈયારીઓ હાલ કચ્છમાં શરૂ કરી દેવાઈ છે. બીજા દિવસે 12મીના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલ મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી પણ મૂકી શકે છે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે. સાથે જ તેઓ સંબોધન પણ કરશે.  

સરહદી ગામોના વિકાસ માટે મળતાં નાણાં કઇ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. પોતાના સંબોધનમાં BADP ની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાંનો ઉપયોગ થાય એ બાબતે સમજ આપશે. બાદમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે ધોરડોમાં જ ભોજન લઇને પરત જાય તેવી શક્યતા છે. આમ, નવરાત્રિ બાદ ટૂંકા ગાળામાં જ અમિત શાહની આ બીજી ગુજરાતની મુલાકાત બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news