સુરત : દલાલને 3 લાખ ચૂકવી પત્ની લાવ્યો, પછી હત્યા કરીને લાશ અગાશી પર મૂકી

સુરત : દલાલને 3 લાખ ચૂકવી પત્ની લાવ્યો, પછી હત્યા કરીને લાશ અગાશી પર મૂકી
  • હત્યા બાદ લાશને રફેદફે કરવા માટે લક્ષ્મણે કૌશલ્યાનો મૃતદેહ કોથળામા ભરી દીધો હતો અને પોતાના ઘરની અગાશી પર કોથળો ફેંકી દીધો હતો. બાદમા સ્થાનિક લોકોને કોથળામાંથી વાસ આવતા તેઓએ તેની તપાસ કરી હતી

ચેતન પટેલ/સુરત :સુરતના પુણા વિસ્તારમા એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમા ઘર કંકાસથી કંટાળી જઇ પતિએ પત્નીની ગળે ટૂપો આપી હત્યા કરી નાંખી હતી અને બાદમા લાશને કોથળામા ભરી કોથળો અગાશી પર મૂકી દીધો હતો. આરોપીએ પત્ની ઘર કંકાસના કારણે રોજ ઝઘડી હોવાના કારણે તેની હત્યા કરી નાંખી હોવાની એક ચિઠ્ઠી લાશ પાસે છોડીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

દલાલની રૂપિયા ચૂકવી લગ્ન કર્યાં હતા 
સુરતના પુણાગામ વિસ્તારમા આવેલા ભક્તિનગરમા રહેતા લક્ષ્મણ ઉર્ફે લીંબારામ ચૌધરી મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. ત્રણેક માસ પહેલા લક્ષ્મણના લગ્ન કૌશલ્યા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન કરવા માટે લક્ષ્મણભાઇએ દલાલને રૂપિયાત્રણ લાખ ચૂકવ્યા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર નાની નાની વાતને લઇને ઝઘડો થયા કરતો હતો. દરમિયાન લક્ષ્મણભાઇએ દલાલને ચૂકવેલા રૂપિયા ઉઘાર લાવ્યા હોય તે દેવુ ચૂકવવા ટેન્શનમા ફરતા હતા. 

અગાશી પર ગંદી વાસ આવતા સ્થાનિકોએ તપાસ કરી 
આ દરમિયાન ઘર કંકાસ કરી કૌશલ્યા ઘરેની નાસી જવાનો પણ પ્રયાસ કરતી હતી. જેથી કંટાળી જઇ ગુસ્સામા લક્ષ્મણભાઇએ કૌશલ્યાની ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને રફેદફે કરવા માટે લક્ષ્મણે કૌશલ્યાનો મૃતદેહ કોથળામા ભરી દીધો હતો અને પોતાના ઘરની અગાશી પર કોથળો ફેંકી દીધો હતો. બાદમા સ્થાનિક લોકોને કોથળામાંથી વાસ આવતા તેઓએ તેની તપાસ કરી હતી. તપાસ કરતા તેમાથી કૌશલ્યાનો મૃતદેહ મળી આવતા તેઓ ચોંકી ઉઠયા હતા. 

આ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પુણા પોલીસ મથકને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કૌશલ્યાના મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમા એ વાતનો ઉલ્લેખ હતો કે રૂપિયા 3 લાખ દલાલને ચૂકવી તેને કૌશલ્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ ઘર કંકાસ અવારનવાર થયા કરતો હતો. આટલુ ઓછું હોય તેમ ઘરેથી ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી તેને કૌશલ્યાની હત્યા કરી હોવાનો વાતનો ઉલ્લેખ ચિઠ્ઠીમા કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા ઘર પાસેથી લક્ષ્મણ ભાગતા નજરે પડયો હતો. જેથી પોલીસે હાલ લક્ષ્મણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news