પતિ-પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડી, કલોલ બંધ મકાન બ્લાસ્ટમાં બીજું મોત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરના કલોલમાં ત્રણ દિવસ પહેલા સવારે એક મકાનમાં બ્લાસ્ટ (gandhinagar blast) થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બ્લાસ્ટમાં આજે બીજુ મોત થયું છે. ઘટનાના દિવસે 27 વર્ષીય અમિત દવેનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે તેમના પત્ની પિનલબેનનું મોત નિપજ્યું છે. કલોલમાં એકસાથે દંપતીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીન માહોલ સર્જાયો હતો.
મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત દવે પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો. અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ કેનેડા રહે છે. મંગળવારે સવારે બનેલી બ્લાસ્ટની ઘટનામાં ઘરમાં અમિતભાઈ, પિનલબેન અને તેમના દાદી હંસાબેન હતા. બ્લાસ્ટમાં અમિત દવે ગંભીર રીતે ઘાયલ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ પિનલબેન અને હંસાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બ્લાસ્ટ સમયે પિનલબેન રસોડામાં કામ કરતા હતા, તેઓ તેમાં ગંભીર રીતે દાઝી ગયા હતા.
મકાન બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આખો પરિવાર કેનેડાથી દોડી આવ્યો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારના માથા પર આભ તૂટી પડ્યું હતુ. પરંતુ જ્યાં પરિવાર પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યો હતો, ત્યાં હોસ્પિટલમાંથી વહુ પિનલના મોતના સમાચાર આવ્યા હતા. આમ, દવે પરિવારમાંથી એકસાથે 2 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. દીકરો અને વહુ ગુમાવ્યાનો આઘાત દવે પરિવાર જીરવી શક્યો ન હતો.
તો બીજી તરફ, ગામવાસીઓ પણ આ સમાચારથી ગમગીન બની ગયા હતા. યુવા દંપતીની એકસાથે અંતિમ યાત્રા નીકળતા ગામ લોકો પણ રડી પડ્યા હતા. જોકે, વિધિની વક્રતા કેવી હતી કે, બ્લાસ્ટમાં દવે પરિવારે ભાડાનું મકાન પણ ગુમાવ્યું હતું. તેથી દીકરા અને વહુની અંતિમ યાત્રા માસી દક્ષાબેનના ઘરમાંથી કાઢવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે