અમદાવાદમાં ઊંધિયું-જલેબીની તૈયારી શરૂ; આ વખતે માર્કેટમાં કેટલો રહેશે ઊંધિયાનો ભાવ?

આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

અમદાવાદમાં ઊંધિયું-જલેબીની તૈયારી શરૂ; આ વખતે માર્કેટમાં કેટલો રહેશે ઊંધિયાનો ભાવ?

ઝી બ્યુરો/અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારની અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ જોવા મળી રહી છે. એક દિવસ પહેલાં જ ઊંધિયું અને જલેબની તૈયારીઓ શરૂ કરાઈ છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયાની જ્યાફત માણવા 15થી 17 પ્રકારની જુદી જુદી શાકભાજી સમારવાની કામગીરી શરૂ થઈ. તો બીજી તરફ દેશી ઘી માં જલેબી પણ બની રહી છે. આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

આ વખતે માર્કેટમાં આટલો છે ઊંધિયાનો ભાવ
કેટરિંગવાળા અત્યારથી જ ઊંધિયાની તૈયારીમાં લાગી છે. ત્યારે સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે, અલગ-અલગ પ્રકારના શાકભાજીમાંથી બનતાં આ સ્વાદિષ્ટ ઊંધિયાનો ભાવ પ્રતિ કિલોએ આ વખતે 480 રૂપિયાથી માંડીને 1 હજાર રૂપિયા સુધી છે. સરેરાશ કિંમત 480 રૂપિયા રહેશે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો આનંદ જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે બેસીને ઊંધિયું, જલેબી, પુરી અને લીલવાની કચોરીની જયાફત માણવાની પણ મજા. ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનું ખાસ મહત્વ છે અને તેની સાથે જલેબી તો હોય જ. ભાગ્યે જ તેવા ગુજરાતીઓ હશે જેમના ઘરે ઉત્તરાયણ પર ઊંધિયું ન બનતું હોય. 14 જાન્યુઆરીની સવાર પડે એટલે લોકોના ઘરમાંથી ઊંધિયામાં પડતાં ગરમ મસાલાના સોડમ આવવા લાગે. જો કે, કેટલાક લોકો બહારથી તૈયાર ઊંધિયું લાવવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે કેટરિંગવાળાનો તહેવાર સુધરી જતો હોય છે. આ વખતે ઉત્તરાયણ વીકએન્ડ પર આવી રહી છે અને તેથી સારો બિઝનેસ થવાની તેમને આશા છે.

ઉલ્લેખનીય છે કે, ઊંધિયું હવે સ્ટવ પર બનવા લાગ્યું છે. પરંતુ પહેલાના સમયમાં તે માટલામાં બનાવવામાં આવતું હતું. બટાકા તેમજ રીંગણ સહિતના શાકભાજીને મસાલાથી ભરવામાં આવતા અને તેને બહારથી લિંપેલા માટલામાં મૂકવામાં આવતા. ત્યારબાદ માટલાને ઊંધુ પાડીને ચારેતરફ સૂકું ઘાસ ફેલાવવામાં આવતું અને તે સળગાવીને તેના આધારે અંદરના શાકભાજી શેકાતા હતા. સમય જતાં ઊંધિયું બનાવવાની માત્ર રીત જ નથી બદલાઈ પરંતુ તેમા વિવિધતા પણ આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news