ગુજરાતના માથે મંડરાયેલો ખતરો ટળ્યો! કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું, પણ 1 સપ્ટેમ્બરથી ફરી મેઘતાંડવ

હાલ પૂરતું ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર ફરીથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના માથે મંડરાયેલો ખતરો ટળ્યો! કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું, પણ 1 સપ્ટેમ્બરથી ફરી મેઘતાંડવ

Gujarat Cyclone: ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. અસના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું છે. કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને ચક્રવાત બનીને પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાશે. ચક્રવાત હાલ 240 કિ.મી ભુજથી પશ્વિમ તરફ આગળ વધ્યું છે. કરાંચીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ 160 કિમી દૂર છે.

 હાલ પૂરતું ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર ફરીથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય બીજી સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. સાથે બેથી ચાર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદ હજુ યથાવત રહેશે
ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદની વધુ કેટલીક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવશે. 3થી 11 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો 23,24 અને 25 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.

ભુજના અનેક વિસ્તાર પાણીથી તરબોળ
કચ્છના ભુજના અનેક વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જયપ્રકાશ નગર અને શાંતિ નગરી જેવા વિસ્તારોમાં ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. નાળાની યોગ્ય રીતે સફાઈ ન કરાઈ હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી નથી કરી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે. દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરાતી નથી.

ગુજરાતના ચાર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ
ગુજરાતના ચાર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને જૂનાગઢ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય ચૂકવવાની માગ કરાઈ છે. સાથે 140 ટકાથી વધુ વરસાદ હોય તેવા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી અને આ નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવાની અપીલ કરવામાં આવી છે.

ધોધમાર વરસાદ વરસ્યા બાદ કચ્છના માંડવીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે ZEE 24 કલાકની ટીમ માંડવીના બાબાવાડી વિસ્તારમાં પહોંચી. વરસાદી પાણીમાં સ્થાનિકોને પડતી હાલાકી, નુકસાની અને તંત્રની કામગીરી જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેઘમંગલ સોસાયટી સહિત 5 અન્ય સોસાયટીના આ દ્રશ્યો સામે આવ્યા. જે જોઈને આશ્ચર્ય થશે. વરસાદ થંભી ગયા બાદ પણ આટલા પાણી ભરાયેલા છે. તમામ સોસાયટીઓમાં ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળ્યા.

ખુદ ધારાસભ્ય અનિરુદ્ધ દવેના બંગલામાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઠેર ઠેર પાણી ભરાયેલા હોવાથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ સ્થિતિ વચ્ચે તંત્રની ટીમોએ કામગીરી શરૂ કરી છે. NDRF, ફાયર, પાલિકાની ટીમે PGVCL અને ધારાસભ્યની ટીમોએ લોકો માટે કામગીરી હાથ ધરી. ચારે તરફ પાણીની વચ્ચે ઘરમાં ફસાયેલા લોકોને એક જ આશા છે કે, વરસાદી પાણી ઉતરે અને તેમનું જીવન ફરી સામાન્ય રીતે જીવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news