સ્માર્ટ પાડોશીએ ચોરી થતા અટકાવી, મધરાતે ત્રણ ચોરને પકડાવ્યા

સ્માર્ટ પાડોશીએ ચોરી થતા અટકાવી, મધરાતે ત્રણ ચોરને પકડાવ્યા
  • ચોર જે મકાનમાં ચોરી કરવા ઘૂસ્યા તેમના પાડોશીને તરત જાણ થઈ હતી
  • સોસાયટીના લોકોએ ઘરની બહાર એકઠા થઈ ત્રણેય ચોરને પકડી પાડ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :ઠંડી વધતા જ ચોરોનો આતંક વધી જાય છે. ઠંડીમાં ચોરીનું પ્રમાણ વધી જાય છે. ત્યારે વડોદરામાં ચોરીનો અજીબ બનાવ બન્યો છે. આ બનાવમાં તમામ ચોર પકડાઈ ગયા છે. સમગ્ર ઘટનામાં સ્થાનિક રહીશોએ ગજબની અવેરનેસ દાખવીને ચોરી થતા અટકાવી હતી અને મધરાત્રે ત્રણ વાગ્યે ચોર પકડાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ વડોદરામાં મકરપુરાની પાર્વતી સોસાયટીમાં ચોર ઘૂસ્યા હતા. સોસાયટીના એક મકાનમાં આ ત્રણ ચોર ચોરી કરવા ઘૂસ્યા હતા. પરંતુ બન્યું એમ કે, ચોર જે મકાનમાં ચોરી કરવા ઘૂસ્યા તેમના પાડોશીને તરત જાણ થઈ હતી. સ્માર્ટ પાડોશીએ પોતાના મકાનની લાઈટ ચાલુ કર્યા વગર જ મોબાઈલ ફોનથી સોસાયટીના અન્ય રહીશોને જગાડ્યા હતા. જાગૃત પાડોશીએ એવી સતર્કતા દાખવી હતી કે, જોતજોતામાં પાડોશી પણ ચૂપચાપ પગલે દંડો લઈને આવી પહોંચ્યા હતા. 

સોસાયટીના લોકો ઘરની બહાર એકઠા થઈ ગયા, અને જોતજોતામાં ત્રણેય ચોરને પકડી પાડ્યા હતા. લોકોને જોઈને ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. એક ચોર મેઈન દરવાજાથી ઝડપાયો હતો. તો બીજો ચોર બેડરૂમના માળિયામાં છુપાઈ ગયો હતો, ત્યાંથી રહીશોએ તેને પકડી પાડ્યો હતો. તો ત્રીજો ચોર પેટી પલંગની અંદર છુપાઈ ગયો. સ્થાનિકોએ પહેલા જ પોલીસને જાણ કરી હતી, જેથી આ દરમિયાન પોલીસ પણ પહોંચી ગઈ હતી. પેટી પલંગના અંદર છુપાયેલા ચોરને પોલીસે પકડી પાડ્યો હતો. 

આમ, પાર્વતી સોસાયટીમાં ચોરી કરવાની હિંમત ત્રણેય ચોરને ભારે પડી હતી. પોલીસે તમામને પકડીને વધુ કાર્યવાહી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news