Corona: ક્યાંક એવું ન બને કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં જ નાવડી ડૂબી જાય-PM મોદી
પીએમ મોદીએ લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સતર્ક રહે અને માસ્કની સાથે સામાજિક અંતરનું પાલન કરે. બેદરકારી વર્તવા પર ક્યાંક એવું ન બને કે આપણી નાવડી ત્યાં ડૂબે જ્યાં પાણી ખુબ ઓછું હોય.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona virus)સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી. તેમણે રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરી કે તેઓ લોકોને કોરોનાના જોખમ પ્રત્યે જાગૃત કરે. તેમણે કહ્યું કે ભારત કોરોના સંક્રમણ મામલે પહેલા કરતા અત્યારે વધુ સારી સ્થિતિમાં છે. સરકાર પીએમ કેર્સ ફંડ દ્વારા લોકોની સરકાર કરે છે. અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ લગાવવામાં આવ્યા છે.
પીએમ મોદીએ લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સતર્ક રહે અને માસ્કની સાથે સામાજિક અંતરનું પાલન કરે. બેદરકારી વર્તવા પર ક્યાંક એવું ન બને કે આપણી નાવડી ત્યાં ડૂબે જ્યાં પાણી ખુબ ઓછું હોય. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના પહેલા તબક્કામાં લોકોમાં ખુબ ડર હતો. લોકો દહેશતમાં હતા. બીજા તબક્કામાં ભયની સાથે દયાની સ્થિતિ પણ બની ગઈ છે. લોકો પોતાની બીમારી છૂપાવવા લાગ્યા. ત્રીજા તબક્કામાં લોકો સંક્રમણની બીમારી સ્વીકારવા લાગ્યા. આ ઉપરાંત લોકો હવે બેદરકાર પણ થવા લાગ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે અને તે છે લોકોને જાગૃત કરવા. આ બીમારી આગળ ન વધે, આપણે તેના માટે તૈયારી કરવી પડશે. દેશ ધીરે ધીરે આફતના ઊંડા સમુદ્રમાંથી બહાર નીકળવા લાગ્યો છે. અનેક દેશો અને આપણા પણ અનેક રાજ્યોમાં કોરોના ઓછો થઈ રહ્યો છે પરંતુ આપણે સતત સતર્ક રહેવું પડશે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે સતત મોનિટરિંગ જરૂરી છે. માત્ર મોટા શહેરો નહીં, આપણે ગામડા-કસ્બાઓની આસપાસ પણ આપણા નિગરાણી તંત્ર અને માળખાગત સુવિધાઓને ઠીક કરવાની રહેશે. આપણે કોરોનાથી મૃત્યુદરને એક ટકાથી નીચે લાવવાનો રહેશે.
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસનો વિસ્ફોટ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નવા કેસ ભલે 50 હજારની અંદર આવી રહ્યા છે પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશના આવા 5 રાજ્યોના ટ્રેન્ડ પર નજર નાખીએ તો દિલ્હી તેમા પહેલા નંબરે છે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે કેરળ, પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર ચોથા નંબરે અને હરિયાણા પાંચમા નંબરે છે. આ રાજ્યોમાં ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે પીએમ મોદીએ કોરોના વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની તૈયારી કરી લીધી છે.
કોરોના લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37,975 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 91,77,841 પર પહોંચી ગયો છે. જેમાંથી 4,38,667 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 86,04,955 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 480 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,34,218 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે