મોદી સરકાર દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ: અમિત શાહ

અમિત શાહે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન, હાથરસ કેસ વિશે પણ મોટું નિવેદન આપ્યું છે. 

મોદી સરકાર દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ: અમિત શાહ

નવી દિલ્હી: લદાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યું કે મોદી સરકાર (Modi Government) દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ છે અને કોઈ પણ તેના પર કબજો જમાવી શકશે નહીં. શાહે એમ પણ કહ્યું કે સરકાર ચીન સાથે લદાખમાં ગતિરોધને ઉકેલવા માટે દરેક શક્ય સૈન્ય અને કૂટનીતિક પગલાં ભરી રહી છે. 

સરકાર દેશના સાર્વભૌમત્વ, સુરક્ષા માટે પ્રતિબદ્ધ
શું ચીને ભારતીય હદમાં પ્રવેશ કર્યો છે? એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે ભારતની એક એક જમીનને લઈને સજાગ છીએ, કોઈ તેના પર કબજો જમાવી શકે નહીં. આપણા રક્ષાદળો અને નેતૃત્વ દેશના સાર્વભૌમત્વ અને સરહદોની રક્ષા કરવા માટે સક્ષમ છે. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર દેશના સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 

બિહારમાં બે તૃતિયાંશ બહુમતથી બનશે NDAની સરકાર-શાહ
આગામી બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha Election 2020)ના સંદર્ભમાં શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએ બે તૃતિયાંશ બહુમત મેળવશે. તેમણએ કહ્યું કે નીતિશકુમાર (Nitish Kumar) ચૂંટણી બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિહારમાં જો ભાજપની સીટો જેડીયુ કરતા વધુ આવશે તો શું પાર્ટી મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકશે તો તેમણે કહ્યું કે, "કોઈ જો, તો ની વાત નથી. નીતિશકુમાર બિહારના આગામી મુખ્યમંત્રી બનશે. અમે સાર્વજનિક ઘોષણા કરી છે અને અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ."

બિહારમાં સત્તાધારી ગઠબંધનથી લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party) અલગ થવાનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે પાર્ટીને પૂરતી સંખ્યામાં સીટોની રજૂઆત કરાઈ હતી પરંતુ આમ છતાં તે ગઠબંધનથી અલગ થઈ. તેમણે કહ્યું કે 'આ તેમનો નિર્ણય હતો, અમારો નહીં.'

પશ્ચિમ બંગાળમાં આવશે અમારી સરકાર
ગૃહમંત્રીએ કહ્યું કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બદલાશે અને ભાજપ ત્યાં સત્તામાં આવશે. તેમણે કહ્યું કે, અમને લાગે છે કે અમે પશ્ચિમ બંગાળમાં મજબૂતાઈથી લડીશું અને સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે, "પશ્ચિમ બંગાળ(West Bengal) માં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર છે અને  ભાજપ જેવા રાજકીય પક્ષોને ત્યાં રાષ્ટ્રપતિ શાસન (President rule in West Bengal) લગાવવાની માગણી કરવાનો દરેક અધિકાર છે." શાહે કહ્યું કે "જો કે કેન્દ્ર સરકાર બંધારણને ધ્યાનમાં રાખીને તથા રાજ્યપાલના રિપોર્ટના આધારે યોગ્ય નિર્ણય લેશે."

'હાથરસ પર રાજકારણ ન રમાવું જોઈએ'
ઉત્તર પ્રદેશના હાથરસમાં (Hathras Case)એક યુવતીના કથિત સામૂહિક બળાત્કાર અને તેના મૃત્યુની ઘટના અંગે પૂછવામાં આવતા ગૃહમંત્રીએ વિપક્ષ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઘટનાવાળા દિવસે જ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી અને સીબીઆઈ તપાસ (CBI Probe) ચાલુ છે. તેમણે કહ્યું કે, 'હાથરસમાં બળાત્કાર થયો અને આવી જ ઘટના રાજસ્થાનમાં ઘટી. પરંતુ રાજનીતિ ફક્ત હાથરસ સુધી સિમિત રહી. કોઈએ રાજસ્થાનના વિષયને ઉઠાવ્યો નહીં. હાથરસ મામલે આરોપીઓની તે જ દિવસે ધરપકડ થઈ. તપાસ માટે એક સમિતિની રચના થઈ. સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. તેના પર રાજકારણ રમાવું જોઈએ નહીં.'

'કાશ્મીરમાં ઝડપથી હાલાત બદલાઈ રહ્યા છે'
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 (Article 370) હટાવ્યાને એક વર્ષ બાદના હાલાતના પ્રશ્ન પર શાહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો વ્યવસ્થા હવે સામાન્ય છે જ્યારે કોવિડ 19ના હાલાતને લઈને સ્થિતિ પડકારજનક રહી. તેમણે કહ્યું કે ત્યાં હવે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે અને તેઓ અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાનું સુનિશ્ચિત કરશે. શાહે કહ્યું કે, 'તમે ત્યાં પાંચ છ મહિનામાં મહત્વનો વિકાસ જોશો.'

'ચિદમ્બરમના નિવેદન પર વલણ સ્પષ્ટ કરે રાહુલ-સોનિયા'
શાહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi)  અને પાર્ટી નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) પાસે પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમના નિવેદન પર જવાબ માંગ્યો. ચિદમ્બરમે (P. Chidambaram)કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો બહાલ થવો જોઈએ. 

ડ્રગ્સની સમસ્યા પર પોતાનો મત રજૂ કર્યો
હિન્દી ફિલ્મ જગતમાં માદક પદાર્થોની સમસ્યાના આરોપ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે તેઓ બંનેને જોડવા માંગતા નથી. તેમણે કહ્યું કે, 'માદક પદાર્થો એક સમસ્યા છે અને જલદી તે સમસ્યાનો અંત આવવો જોઈએ.' શાહે કહ્યું કે, 'જ્યાં સુધી દેશની ડ્રગ્સ સમસ્યાનો અંત લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદાકીય જોગવાઈઓ અને શ્રમશક્તિની વાત છે તો તમે આવનારા દિવસોમાં મોટા ફેરફાર જોશો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news