મિશન શક્તિઃ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો આચાર સંહિતાના દાયરામાં આવતી નથી- ચૂંટણી પંચ

ચૂંટણી પંચના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત બાબતો ચૂંટણીની આદર્શ આચારસંહિતાના દાયરામાં આવતા નથી 

મિશન શક્તિઃ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો આચાર સંહિતાના દાયરામાં આવતી નથી- ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત બાબતો ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના દાયરામાં આવતી નથી. ચૂંટણી પંચના અધિકારીને જ્યારે પુછવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉપગ્રહ રોધક મિસાઈલ ક્ષમતાના સફળ પ્રદર્શન સંબંધિત કરાયેલી જાહેરાત આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે કે નહીં? તેમણે જણાવ્યું કે, 'કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં લેવાયેલા નિર્ણય અને આપત્તિ વ્યવસ્થાપન જેવી બાબતો આદર્શ આચાર સંહિતાના દાયરામાં આવતા નથી. એટલે કે, તેના માટે પૂર્વમંજૂરીની પણ જરૂર હોતી નથી.'

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેરાત કરી કે ભારતે અંતરિક્ષમાં એન્ટી સેટેલાઈટ મિસાઈળ દ્વારા એક લાઈવ સેટેલાઈટને તોડી પાડીને આજે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તી તરીકે નોંધાવી દીધું છે. આવી ક્ષમતા મેળવનારો ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે. 

અંતરિક્ષ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓનું શ્રેય પોતે લેવાનું બંધ કરે મોદીઃ તૃણમુલ કોંગ્રેસ
આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા  જણાવ્યું કે, મોદી એન્ટી સેટેલાઈટ મિસાઈલની મદદથી લાઈવ સેટેલાઈટને તોડી પાડવાની વૈજ્ઞાનિકોની અપ્રતિમ ઉપલબ્ધીનું 'શ્રેય' પોતે લેવાનું બંધ કરે. તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓ પર તેની કોઈ અસર પડશે નહીં. 

તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હાકિમે જણાવ્યું કે, 'નરેન્દ્ર મોદી દ્વારા બીજા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી ઉપલબ્ધી કે કામ કરવાનું શ્રેય પોતાને આપવાનું બંધ કરવું જોઈએ. એન્ટી સેટેલાઈટ મિસાઈલની મદદતી લાઈવ સેટેલાઈટ તોડી પાડવાનું શ્રેય આપણા વૈજ્ઞાનિકોને જાય છે. મોદી સરકાર છેલ્લા 5 વર્ષમાં દેશની પ્રજાને કોઈ પણ રાહત પહોંચાડવામાં નિષ્ફળ રહી છે.'

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પગલું કોઈ દેશની સામે નથી અને આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂર પૃથ્વીની નિચલી કક્ષા (LEO)માં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ લાઈવ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું, જેને એન્ટી મિસાઈલ દ્વારા તોડી પડાયું છે. આ અભિયાન માત્ર 3 મિનિટમાં સફળતાપૂર્વક પાર પડાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news