નિર્મલા સીતારમણ ભડક્યાં, રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર કહ્યું-આ શોભનીય નથી

કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)  તેમને આડે હાથ લીધા છે.

નિર્મલા સીતારમણ ભડક્યાં, રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર કહ્યું-આ શોભનીય નથી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)  તેમને આડેહાથ લીધા છે. સીતારમણે આજે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન મહિલાઓના સન્માન અને ગરિમા પર ઘા કરનારા છે. શરમની વાત છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહિલાઓની ગરિમાને ભૂલી જવાની વાત કરે છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાવાળી ટિપ્પણી પર આજે તેમને આડે હાથ લીધા હતાં અને તેને દુ:ખદ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા દુષ્કર્મ પર રાજકારણ રમી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલના માતા અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાહુલને સલાહ આપવા અને તેમનું માર્ગદર્શન કરવાનો આગ્રહ કર્યો છે. સ્મૃતિએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરી. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ ગુરુવારે ઝારખંડની એક ચૂંટણી રેલીને  સંબોધતા વડાપ્રધાન મોદીના પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા 'મેક ઈન ઈન્ડિયા' હતું પરંતુ હવે તે 'રેપ ઈન ઈન્ડિયા' બની ગયું છે. 

માફીનો તો સવાલ જ નથી-રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડની એક રેલીમાં 'રેપ ઈન ઈન્ડિયા (Rape in India)' ટિપ્પણી પર માફી માંગવાની આજે ના પાડી દીધી. તેમણે કહ્યું કે 'આ તેમનો (ભાજપ સરકાર) મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવવાનું માત્ર એક બહાનું છે.' રાહુલે સંસદમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં માત્ર એટલું જ કહ્યું કે 'વડાપ્રધાન હંમેશા 'મેક ઈન ઈન્ડિયા'ની વાતો કરે છે પરંતુ જ્યારે પણ આપણે અખબાર ખોલીએ છીએ ત્યારે સમગ્ર ભારતમાં આપણને ફક્ત રેપ અંગે વાચવા મળે છે. ભાજપ શાસિત દરેક રાજ્યમાં રેપના અહેવાલો છે. '

તેમણે એક ટ્વીટ કરીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. રાહુલે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન વિધેયક 2019 પાસ થયા બાદ પૂર્વોત્તર રાજ્યમાં જે હાલત પેદા થયા અને ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા બદલ તેમની પાસે માફીની પણ માગણી કરી. કેરળના વાયનાડથી સાંસદ રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે 'પૂર્વોત્તર રાજ્યોને ભડકે બાળવા અને ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા બદલ મોદીજીએ માફી માંગવી જોઈએ.' 

આ અગાઉ રાહુલ ગાંધીના આ નિવેદન પર લોકસભામાં પણ ભારે હોબાળો મચ્યો. ભાજપના સાંસદોએ નિવેદનની ટીકા કરી અને રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી હતી. આ મુદ્દો સંસદીય મામલાના રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલે ઉઠાવ્યો હતો. આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા સંસદ પરના હુમલામાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. મેઘવાલે કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા'ના નારાને 'રેપ ઈન ઈન્ડિયા' બનાવી દીધુ.

તેમણે કહ્યું કે શું તેઓ લોકોને ભારતમાં દુષ્કર્મ કરવા માટે બોલાવી રહ્યાં છે? તેનો અર્થ શું છે? આ શરમજનક છે. તેમણે દેશના લોકો પાસે માફી માંગવી જોઈએ. ત્યારબાદ ભાજપના સદસ્ય અને પશ્ચિમ બંગાળના સાંસદ લોકેટ ચેટર્જીએ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે લોકો ભારતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરે? શું આ તેમની સોચ છે?

આ VIDEO પણ જુઓ...

લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસ એટલે કે આજે સદનમાં ભારે હોબાળા બાદ સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા નિવેદન પર સદનમાં ભારે હોબાળો મચ્યો હતો. બિરલાએ કહ્યું કે નીચલા ગૃહે 18 બિલને રજુ કર્યાં અને કુલ 14 બિલ પાસ થયા. જેમાં વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ, એસપીજી (સંશોધન) બિલ, ચિટ ફંડ (સંશોધન) બિલ, શસ્ત્ર (સંશોધન) બિલ સામેલ છે. 

આ ઉપરાંત દાદરા અને નાગર હવેલી તથા દમણ અને દીવ બિલ (કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિલય), ઈલેક્ટ્રોનિક સિગરિટનો નિષેધ (ઉત્પાદન, નિર્માણ, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સ્ટોરેજ, જાહેરાત) બિલ, અને દિલ્હીની અનઅધિકૃત કોલોનીઓમાં રહીશોને સાર્વજનિક અધિકારોની માન્યતા સંબંધિત બિલ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news