રાજસ્થાનમાં 150 મહિલા પ્રોફેસરોને ફોન પર બળાત્કારની ધમકી, પોલીસ પણ મુંઝવણમાં
રાજસ્થાન યુનિવર્સિટીની 65 મહિલા પ્રોફેસરોએ જાતીય સતામણીની ફરિયાદ પોલીસમાં કરી છે, મહિલા પ્રોફેસરોનો આરોપ છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમને સતત ફોન કરે છે અને અશ્લિલ વાતો કરી રહ્યો છે, આ વ્યક્તિ તેમનો સતત પીછો પણ કરી રહ્યો છે
Trending Photos
જયપુરઃ રાજસ્થાનની સૌથી મોટી યુનિવર્સિટીની તમામ મહિલા પ્રોફેસર અને લેક્ચરર આજકાલ એક અજાણ્યા ફોનથી હેરાન-પરેશાન છે. લગભગ 65 જેટલી મહિલા પ્રોફેસરોએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને તેમનો બળાત્કાર કરવાની સતત ધમકી આપી રહ્યો છે. તેમનો સતત પીછો કરવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ તેમનાં બાળકોને મારી નાખવાની અને તેમની દીકરીઓ પર બળાત્કાર કરવાની પણ ધમકી આપી છે. આ બાજુ પોલીસ પણ આ વિચિત્ર કેસનો ઉકેલ શોધવા મથી રહી છે, પરંતુ હજુ સુધી તેને કોઈ કડી મળી નથી.
રાજસ્થાન યુનિવર્સિટીની મહિલા પ્રોફેસરો આજકાલ અત્યંત ડરી ગયેલી છે. અનેક મહિલા પ્રોફેસરોએ યુનિવર્સિટીમાં આવવાનું જ બંધ કરી દીધું છે. તેમનું કહેવું છે કે, સવાર હોય કે બપોર કે પછી અડધી રાત, ગમે ત્યારે તેમના મોબાઈલની ઘંટડી વાગે છે અને પછી અજાણી વ્યક્તિ સીધી અશ્લિલ વાતો કરવા લાગે છે. તેની સાથે વાત કરવાનું ના પાડે તો બળાત્કાર ગુજારવાની ધમકી આપે છે. છેલ્લા 5 દિવસથી આ ચાલી રહ્યું છે, પરંતુ પોલીસ હજુ સુધી અપરાધીને પકડી શકી નથી.
કેશ ઓન ડિલિવરીથી મોકલી ગિફ્ટ
સોમવારે તો આ અજાણ્યા અસમાજિક તત્વોએ તમામ હદ પાર કરી નાખી હતી. તેમણે કેટલાક પ્રોફેસર્સના ઘરે કેશ ઓન ડિલીવરી સાથે ગિફ્ટ મોકલી આપી અને તેની સાથે-સાથે બળાત્કાર કરવાની પણ ધમકી આપી હતી.
યુનિવર્સિટીએ ઓનલાઈન માહિતી કરી ડિલીટ
રાજસ્થાન યુનિવર્સિટીએ સોમવાર સુધીમાં તેમનાં ત્યાં કાર્યરત તમામ મહિલા પ્રોફેસરોના ફોટો, મોબાઈલ નંબર, સરનામું સહિતની અન્ય તમામ માહિતી પોતાની વેબસાઈટ પરથી ડિલીટ કરી નાખી છે. તંત્ર દ્વારા તમામ મહિલા પ્રોફેસરની માહિતી રાજસ્થાન યુનિવર્સિટીની વેબાસીટ પરથી દૂર કરવા માટે ઈન્ફોનેટ સેન્ટરને આદેશ આપવામાં આવ્યા હતા. સુરક્ષાની દૃષ્ટિએ આ નિર્ણય લેવાયો છે. રાજસ્થાન યુનિવર્સિટીની વેબસાઈટ પર 35 વિભાગોમાં પ્રોફેસર, એસોસિએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરના મોબાઈલ નંબર, ઘરનું સરનામું, શોધ સહિતની માહિતી મુકવામાં આવી હતી. અનેક પ્રોફેસરોના મોબાઈલ નંબર પણ અપલોડ કરવામાં આવેલા હતા.
મહેશનગર અને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
રાજસ્થાન યુનિવર્સિટીના 35 વિભાગોમાં લગભગ 230 મહિલા પ્રોફેસર છે, જેમાંથી 150 મહિલા પ્રોફેસરે આ પ્રકારની ફરિયાદ યુનિવર્સિટીમાં કરી છે. પોલીસે મહેશનગર અને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદો દાખલ કરી છે.
ઈન્ટરનેટથી કરે છે કોલ
જયપુરના પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અપરાધી ઈન્ટરનેટના એક વિશેષ સોફ્ટવેરની મદદથી ફોન કરી રહ્યો છે. જેના કારણે તેનો નંબર ટ્રેસ થઈ શક્તો નથી. પોલીસે આઈટી નિષ્ણાતોને આ કેસની તપાસમાં જોડ્યા છે. પોલીસે આ કેસમાં આઈટી એક્ટ પણ દાખલ કર્યો છે.
રાજસ્થાનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એક સાથે લગભગ 150 મહિલા પ્રોફેસરની આ પ્રકારે જાતીય સતામણી કરવામાં આવી રહી છે. ડરી ગયેલી મહિલા પ્રોફેસરોએ મંગળવારે રાજસ્થાનના ડીજીપી સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે પણ મળવાનો સમય માગ્યો છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે