પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી

અરજીમાં કહેવાયું છે કે, જરા પણ મોડું કર્યા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં તબીબી સુવિધાથી વંચિત દર્દીઓને વહેલામાં વહેલી તકે સુવિધા ઊભી કરાવવામાં આવે, જે ડોક્ટરો હડતાળનું સમર્થન કરી રહ્યા છે તેમની સામે આકરાં પગલાં લેવામાં આવે 

Updated By: Jun 14, 2019, 11:51 AM IST
પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પરિજનો દ્વારા ડોક્ટરો સાથે કરવામાં આવેલી મારામારીની ઘટના પછી ડોક્ટરો હડતાળ પર ઉતરેલા છે. જેના કારણે કોલકાતામાં તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે. આથી, હવે ડોક્ટરોની હડતાળની સામે કોલકાતા હાઈકોર્ટમાં ગુરૂવારે એક અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની ડિવિઝન બેન્ચમાં કરવામાં આવશે. અરજીમાં હડતાળિયા ડોક્ટરો સામે કડક પગલાં લેવાની અપીલ કરાઈ છે. 

અરજી કરનારા ડોક્ટર કુણાલ સાહાના વકીલ શ્રીકાંત દત્તે જણાવ્યું કે, ગત 10 જુનના રોજ કોલકાતાની નીલ રતન સરકારી હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી બે ડોકટ્રોને તેમના પરિજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી, એનઆરએસ હોસ્પિટલના ડોક્ટરને ઘાયલ સ્થિતિમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના વિરોધમાં આ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

મમતા અને ડોક્ટરોનો વિવાદ વધ્યોઃ સમગ્ર દેશના જુનિયર ડોક્ટર આજે હડતાળ પર

બીજી તરફ, હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને સમર્થનમાં સમગ્ર રાજ્યના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને છેલ્લા 48 કલાકથી તેઓ કોઈ પણ પ્રકારની સેવા નથી આપી રહ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ જુનિયર ડોક્ટરોએ હડતાળ ચાલુ રાખી છે. 

આથી, તેના વિરોધમાં ડોક્ટર કુણાલ સાહાએ કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરતી અરજી દાખલ કરી છે. તેમણે અરજીમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની સાથે જ રાજ્યમાં તાત્કાલિક ધોરણે દર્દીઓને તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. 

જૂઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....