ચેતી જજો અમદાવાદીઓ, ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220, આનલ ટાવરના 190 ઘર માઈક્રો કન્ટાઈનમેન્ટમાં છે

Updated By: Nov 26, 2020, 08:50 AM IST
ચેતી જજો અમદાવાદીઓ, ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220, આનલ ટાવરના 190 ઘર માઈક્રો કન્ટાઈનમેન્ટમાં છે
  • હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220 ઘરના 800 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં છે.
  • અમદાવાદમાં કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના માપદંડ નક્કી કરાયા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ રાત્રે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની નવી યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં કયા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ છે તે જાણી શકાય છે. ત્યારે એક તરફ જ્યાં અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, ત્યાં બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મોટો વધારો થયો છે. નવી યાદીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220 ઘરના 800 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં છે. તો નવરંગપુરા આનલ ટાવરના 190 ઘરના 793 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે. તેમજ બોડકદેવ સુરેલ એપાર્ટમેન્ટના 160 ઘરના 650 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે. 

આ પણ વાંચો : સવારે 10 વાગ્યે અહમદ પટેલની દફનવિધિ કરાશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે 

અમદાવાદમાં 224 માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોન
ગત બુધવારે Amc માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ, તેમાં અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર 200 થી ઉપર પહોંચ્યા છે. 31 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 10 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 224 પર પહોંચી છે. 

કોરોના દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના માપદંડ નક્કી કરાયા 
તો બીજી તરફ, અમદાવાદમાં કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના માપદંડ નક્કી કરાયા છે. આહના (અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન) એ કોરોના દર્દીઓના ડિસ્ચાર્જ માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ છેલ્લા 48 કલાકથી તાવ ન આવતો હોય તો દર્દીને ડિસ્ચાર્જ કરાશે. 24 કલાક દરમિયાન બ્લડપ્રેશર, પલ્સ સામાન્ય રહે તો પણ દર્દીને ડિસ્ચાર્જ અપાશે. તેમજ છેલ્લા 48 કલાકથી ઓક્સિજન ઉપર ન હોય તો ડિસ્ચાર્જ કરાશે. અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓના થઈ રહેલા વધારાને જોતા આ નિર્ણય કરાયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1540 પર પહોંચી છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1283 પર પહોંચી છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 183756 થઈ છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14287 છે.