અલ્પેશ ઠાકોરનો લલકાર, કોંગ્રેસે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેને જવાબ આપવો છે

દિયોદરના કોતરવાડામાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના સમર્થનમાં સભા કરવા આવેલા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન, કોંગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે 
 

અલ્પેશ ઠાકોરનો લલકાર, કોંગ્રેસે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેને જવાબ આપવો છે

દિયોદર(બનાસકાંઠા): કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ગુરુવારે દિયોદરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં જાહેર સભામાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આપમી સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, તેને જવાબ આપવો પડશે. કોંગ્રેસમાં ટિકિટોના સાદો થાય છે. છેલ્લા 6 મહિનાથી મનોમંથન કરતો હતો અને હવે આખરે નિર્ણય લઈ લીધો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "આજે નવી વાત કરવા આવ્યો છું. નવા પ્રચાર માટે આવ્યો છું. આપણે વ્યસન મુક્તિની વાત કરી, શિક્ષણની વાત કરી ત્યારે આપણને રોકવાની કોશિશ કરાઈ છે. આપણે જ્યારે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું ત્યારે ઘણા સપના હતા."

અલ્પેશે જણાવ્યું કે, "કોંગ્રેસ પાર્ટી જ્યારે સંઘર્ષ કરતી હતી ત્યારે આપણે તેમને સમર્થન આપ્યું હતું. જે પાર્ટી છેલ્લી 3-4 ચૂંટણીમાં ખૂબ ઓછી સીટો જીતતી હતી તેને આપણે ખૂબ આગળ લઇ ગયા છીએ. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે આપણી સેનાને સન્માન અપાયું પણ ચૂંટણી પછી કોંગ્રેસ દ્વારા આપણા કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઘણા કહે છે કે, તમને તો બહુ આપ્યું, પણ ભાઈ એ અલ્પેશ એકલા માટે થોડું છે."

કોંગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે
અલ્પેશે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું કે, "આ પાર્ટીમાં લોકો ટિકિટ માંગવા જાય ત્યારે કહેવામાં આવે તમારી જોડે પૈસા છે. કયાંક ટિકિટોના સોદા પણ થતા હોય. કોંગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેને જવાબ આપવો છે." 

ઠાકોર સેનાની તાકાત બતાવાની છે 
અલ્પેશે વધુમાં જણાવ્યું કે, "ચૂંટણી પુરી થયા બાદ દરેક ગામમાં રથ લઈને આવીશ. 2017માં અલ્પેશ ઠાકોર રૂપાળો લાગતો હતો, હવે તેમને ખરાબ લાગે છે. આપણે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવવાના છે. આપણે આપણી તાકાત બતાવીએ કે, કોઈ પાર્ટી એમ ના કહે કે બનાસકાંઠામાં સમીકરણ નથી બેસતું, ફક્ત પૈસાવાળાનું જ સમીકરણ બેસે છે. જે લોકોએ અલ્પેશ ઠાકોરને મજબુર કર્યો તેમને બતાવવું છે.

ઠાકોર સેનાની આંધી
દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની સભા ચાલુ હતી ત્યારે ભારે પવન ફૂંકાવાના કારણે એક બાજુનો મંડપ ઉડી ગયો હતો. મંડપ તુટી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મંડપ ઉડી જતાં અલ્પેશે કહ્યું કે, આ ઠાકોર સેનાની આંધી છે, બધાને લઈને ઉડી જશે. ઘણા લોકોમાં ગેસ ભરાઈ ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે. આપણે ગેસના બાટલાથી બધાનો ગેસ કાઢી દેવો છે. ઠાકોર સેનાની તાકાત બધાને બતાવી દેવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news