દેવુ વધી જતા સુરતના હીરાના વેપારીએ ઓફિસમાં જ મોત વ્હાલુ કર્યું

મહીધરપુરના હીરા બજારમાં હીરાના એક વેપારીએ પોતાની જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. દેવું વધી જતાં અને લોકડાઉનમાં ધંધો નહિ ચાલતા વેપારીએ ઓફિસમાં જ મોતનુ પગલું ભર્યું

દેવુ વધી જતા સુરતના હીરાના વેપારીએ ઓફિસમાં જ મોત વ્હાલુ કર્યું

ચેતન પટેલ/સુરત :લોકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. ત્યારે હતાશ થયેલા લોકો આત્મહત્યાનું પગલુ ભરે છે. આવામાં સુરતના હીરાના એક વેપારીએ આપઘાત કર્યો છે. મહીધરપુરના હીરા બજારમાં હીરાના એક વેપારીએ પોતાની જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. દેવું વધી જતાં અને લોકડાઉનમાં ધંધો નહિ ચાલતા વેપારીએ ઓફિસમાં જ મોતનુ પગલું ભર્યું હતું. ત્યારે તેમની ઓફિસમાંથી એક સ્યૂસાઈડ (suicide) નોટ પણ મળી આવી છે. આ મામલે મહીધરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરના વતની મુકેશ જીવરાજ પટેલ સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે. 39 વર્ષીય વેપારી સુરતના મહીધરપુરાના દાલગીયા મહોલ્લામાં ઓફિસ ધરાવે છે. ત્યારે બુધવારે બપોરે તેમની ઓફિસમાં તેમનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના ભાઈ ઓફિસે ગયા ત્યારે મુકેશ પટેલે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણ થયું હતું. આ બાબતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે પોલીસને મુકેશભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેઓએ ધંધામાં દેવુ વધી જતા આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. 

લોકડાઉનની મોટી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. તેમજ અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે એક્સપોર્ટ પર પણ મોટી અસર પડી છે. આવામાં હીરાના વેપારીઓ મોટા નુકસાનીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી અનેક હીરાના વેપારીઓ ભારે દેવામાં ફસાઈ ગયા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news