સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું-અમે સરકારને ખુલ્લા પાડીશું....
Trending Photos
જયેશ દોશી/નર્મદા :કેતન ઈનામદાર (Ketan Inamdar), મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) બાદ હવે ભાજપના વધુ એક નારાજ નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હવે ભાજપ સરકારથી નારાજ છે. મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર જેની પણ હોય આદિવાસીઓ માટે અમે લડી લઈશું. આ માટે રાજ્યના તમામ આદિવાસીઓએ ભેગા થવુ પડશે. સરકારને અમે ખુલ્લા પાડીશું.
સાંસદ મનસુખ વસાવાએ મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની વાતને સમર્થન આપીને કહ્યું કે, અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. ભાજપના નેતા કેતન ઇનમદાર અને મધુ શ્રીવાસ્તવની જેમ હવે સાંસદ મનસુખ વસાવાએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે કહ્યું કે આદિવાસીના નામનો ખોટો ઉપયોગ કરી હવે સરકાર પર પ્રેશર કરે છે. પણ આદિવાસીઓના નેતાઓ સમર્થનમાં બહાર આવે એવી ખુલ્લેઆમ લડતમાં નીકળ્યા અને સરકાર કોઈપણ હોય, જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.
સમય એવો આવ્યો છે કે ભાજપના જ સાંસદ આજે ભાજપ સામે આવ્યા છે. તેમણે વધુમા કહ્યું કે, ટ્રાઇબલ કમિશનરને પૂછું છે કે કેમ તમે રદ કરેલા સર્ટીફિકેટ મંજૂર કર્યા. અમે ન્યાય માટે લડીશું. આદિવાસીઓનો હક છીંનવવાનો આ પ્રયાસ છે. સરકારના વહીવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું. બાકીના લોકો દબાણ લાવી રહ્યાં છે, તો અમે કેમ ન દબાણ કરીએ. દબાણનું રાજકારણ ચાલે છે. સરકાર જેની હોય તેની, પણ જ્યારે આદિવાસીઓનો પ્રશ્ન હોય તો ગુજરાતના આદિવાસીઓ માટે ભેગા થવું જોઈએ. અધિકારીઓનું શાસન ચાલે છે. હું ટ્રાઇબલ કમિશનર રાણાને પૂછું તમે આધારે તક આપો છે અને રદ થયેલાને તક આપો.
મનસુખ વસાવાના નિવેદન અંગે કોંગ્રેસનું નિવેદન
મનસુખ વસાવાના આવા નિવેદન અંગે કોંગ્રેસે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, જૂઠું બોલતી પાર્ટીમાં મનશુખભાઈ ક્યારેક સાચુ બોલી જાય છે. તેમણે રાજ્યના 6 કરોડ લોકોનો અવાજ રજૂ કર્યો છે. કોંગ્રેસ જ્યારે અધિકારી શાસનનું કહે ત્યારે તેને આક્ષેપમાં ખપાવવામાં આવે છે. ભાજપની માનસિકતા તેમના જ સાંસદે ખુલ્લી પાડી છે. રૂપાણી સરકારમાં પોલોસી પેરાલીસીસ છે. ભાજપ સરકારમાં સેવાસદન એ મેવાસદન થઈ ગયું છે. વહીવટી તંત્ર પરથી કાબુ ગુમાવી ચૂકેલ સરકારે રાજીનામુ આપવું જોઈએ.
ભાજપની પ્રતિક્રીયા...
સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી હતી. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, એમણે શું નિવેદન કર્યું એ મને ખબર નથી. પણ આ સરકાર તમામ લોકો માટે કામ કરતી સરકાર છે. કોઇ અધિકારી કામ ન કરતો હોય તો ધ્યાન દોરવું જોઇએ. યોગ્ય ફોરમમાં તેની રજૂઆત કરવી જોઇએ. દરેકે વિવેકભાન અને પ્રમાણભાન રાખવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે