કોંગ્રેસ કે ભાજપ કોઈને સમર્થન નહીં: પાટણમાં ઠાકોર સેનાનો સૂર
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતાં રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. અલ્પેશ ભાજપમાં જોડાશે કે કેમ? અટકળો તેજ બની છે ત્યારે ઠાકોર સેનાએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પાટણ જિલ્લાની ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દેદારોની મીટિંગમાં લેવાયો એક મહત્વપૂર્ણ નિર્ણય, 'ઠાકોર સેના રાજકારણથી અલિપ્ત રહેશે'
Trending Photos
પાટણઃ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ઠાકોર સેનામાં પણ આંતરિક રાજકારણ ગરમાઈ ગયું છે. પાટણ જિલ્લાની ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દારોની ગુરૂવારે શહેરની એક હોટલમાં વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સેનાને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે. મીટિંગમાં નક્કી કરાયું છે કે, ઠાકોર સેના ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષને સમર્થન આપશે નહીં.
પાટણની એક હોટલમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સમિતીના ઠાકોર સેનાના હોદ્દેદારો, ઠાકોર સેનાના કાર્યકરો અને જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે, "ઠાકોર સમાજ સ્વતંત્ર છે અને તેમને જ્યાં મત આપવો હોય તે આપી શકે છે. પાટણ જિલ્લાની ઠાકોર સેનાનું કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પક્ષને સમર્થન નથી. ઠાકોર સેના માત્ર ઠાકોર સેનાનું જ કામ કરશે, માત્ર સમાજનું કામ કરશે અને રાજકારણથી અલિપ્ત રહેશે."
અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા બાદ હવે ઠાકોર સેનામાં આંતરિક રાજકારણમાં ગરમી આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ પર આક્ષેપ લગાવતા સવારે કહ્યું હતું કે, "અલ્પેશે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અલ્પેશે સમાજનું કોઈ કામ કર્યું નથી. તેણે પોતાના અંગત સ્વાર્થ માટે નિર્ણય લીધો છે. અલ્પેશે સમાજનો વિશ્વાસઘાત કર્યો છે અને સમાજ તેને કદી માફ નહીં કરે."
અલ્પેશના રાજીનામા મુદ્દે ભરતજી ઠાકોરનું નિવેદન
બીજી બાજુ, બહુચરાજીના ધારાસભ્ય એવા ભરતજી ઠાકોરે અલ્પેશના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે તેનું સમર્થન કરતું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાની અવગણના થઈ રહી છે. તે જોતા કોંગ્રેસને માર પડશે. હું કોંગ્રેસમાં છું અને રહીશ. મેં કોગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર બદલાશે નહિ. જો ઠાકોર સમાજ ની અવગણના થશે તો આગમી લોકસાભામાં કોંગ્રેસને માઠી અસર વર્તાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે