સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર

સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર
  • અશરફ નાગોરીનો ઈતિહાસ સુરત પોલીસના ચોપડે ગુનાહિત રહેલો છે.
  • રામપુરામાં રહેતો માથાભારે અશરફ નાગોરી પર જાન્યુઆરી મહિનામાં ફાયરિંગ થયું હતું.
  • ભવિષ્યમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી શકે તેવી શક્યતા જોતા તેને તડીપાર કરવામાં આવ્યો છે

તેજશ મોદી/સુરત :સુરતના માથાભારે મોહંમદ અશરફ ઇસ્માઇલ નાગોરીને તડીપાર કરાયો છે. અશરફ નાગોરી આજ વર્ષે 2020ના જાન્યુઆરીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયો છે. સુરતે પોલીસ અશરફ નાગોરીને પસ્તાગિયા શેરીમાંથી ઝડપી પાડ્યો છે. ત્યારે આ માથાભારે આરોપી નાગોરી (ashraf nagori) ને તડીપારની નોટિસની બજવણી કરવામાં આવી છે. વર્ષ 2003માં માથાભારે અશરફ નાગોરીનું પૂર્વ ગૃહમંત્રી સ્વ હરેન પંડિયાની હત્યામાં નામ ખુલ્યું હતું. તેમજ વર્ષ 2002માં સુરતના BJPના પૂર્વ કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા પર ફાયરિંગ કરવાની ઘટનામાં તેની ધરપકડ થઈ હતી. વર્ષ 2013માં 11 પિસ્તોલ અને 62 કાર્તિઝ સાથે નાગોરી પકડાયો હતો. ભવિષ્યમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી શકે તેવી શક્યતા જોતા તેને તડીપાર કરવામાં આવ્યો છે. 

જાન્યુઆરીમાં અશરફ નાગોરી પર થયું હતું ફાયરિંગ 
રામપુરામાં રહેતો માથાભારે અશરફ નાગોરી પર જાન્યુઆરી મહિનામાં ફાયરિંગ થયું હતું. રાત્રે દસેક વાગ્યાના અરસામાં મહેતાબ અને તેનો ભાઈ હાસિમ ભૈયા સાગરીતો સાથે આવીને અશરફ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. બનાવ અંગે અશરફે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મહેતાબ ભૈયા પણ સુરતનો માથાભારે શખ્સ છે. અશરફે પોતાની ઉપર મેલી વિદ્યા કરી હોવાનો વહેમથી મહેતાબે તેના પર ફાયરિંગ કર્યું હતું. 

નાગોરીનો ગુનાહિત ઈતિહાસ 
અશરફ નાગોરીનો ઈતિહાસ સુરત પોલીસના ચોપડે ગુનાહિત રહેલો છે. તેની વિરુદ્ધ ચોક બજારમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવાની, મારપીટ, આર્મ્સ એક્ટ તથા ફ્રોડનો કેસ દાખલ કરાયેલો છે. વર્ષ 2003માં અમદાવાદ પોલીસે પોટા અંતર્ગત તથા વર્ષ 2013 અને 2015 માં સુરત પોલીસે પાસા અંતર્ગત ધરપકડ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news