દીકરી ગુમાવનાર પિતાની વેદના બોલી, ફાયરબ્રિગેડમાં સાધનો વસાવવા હું રૂપિયા આપું, જેથી આવી દુર્ઘટના ન બને
Trending Photos
અમદાવાદ :સુરતમાં આગની એવી ઘટના બની કે, આખુ ગુજરાત તેને નહિ ભૂલે. ખાસ કરીને એ લોકો, જેઓએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે. તેઓ જ્યારે જ્યારે પોતાના સંતાનોને યાદ કરશે, ત્યારે તેમના મનમાં ગુજરાત સરકાર પ્રત્યે ભારોભાર નફરત પણ પેદા થશે. જ્યાં આખુ ગુજરાત સવાલ પૂછી રહ્યું છે, તેમ એ માતાપિતા પણ સવાલ પૂછી રહ્યા છે કે, આખરે કેમ તંત્ર તેમના સંતાનોને બચાવવામાં નિષ્ફળ રહ્યું. જો તંત્રએ પોતાનું કામ સમયસર કર્યું હોત તો આજે તેમના લાડકવાયા જીવતા હોત. ફાયરબ્રિગેડના એવા એવા લુલ્લા બચાવ સામે આવ્યા કે, હાસ્યાસ્પદ લાગે. ત્યારે એક પિતાની વેદના બોલી ઉઠી હતી કે, હું ચાર લાખ આપું છું.
આગમાં હોમાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. પણ સરકારને શું ખબર કે, તેમના ચાર લાખથી કોઈના વ્હાલસોયાનો જીવ તો પરત આવી જવાનો નથી. આ આગ કાંડમાં હેપ્પી નામની 17 વર્ષીય તરુણીનો પણ જીવ ગયો છે. ત્યારે હેપ્પીના પિતા દીપકભાઇ દેવચંદભાઇ પાંચાણી વંડાવાળાએ સરકાર સામે પ્રશ્ન કર્યો કે, મારે ચાર લાખ રૂપિયા નથી જોઇતો. હું પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી સાધનો લાવવા માટે જોઇએ તો બીજા ચાર લાખ રૂપિયા ઉમેરીને આપુ. પરંતુ પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી તમામ સાધનો અપાવો. એટલે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન સર્જાય.
આમ, જેમ હેપ્પીના પિતાએ સરકાર સામે પ્રશ્ન કર્યો છે, તેવી જ રીતે મૃત્યુ પામનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે. માત્ર આ વાલીઓ જ નહિ, સમગ્ર ગુજરાતના વાલીઓને હવે તો પ્રશ્ન પડ્યો છે કે, ટ્યુશન-શાળામાં જતા તેમના સંતાનોની સેફ્ટી શું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે