જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો

Updated By: Dec 16, 2020, 11:08 AM IST
જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો
  • નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપરના કોલ અને લોકેશન વગેરેને લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું

નરેશ ભાલીયા/જેતપુર :કહેવાય છે કે જર જોરૂ અને જમીન કજિયા ના છોરું, આ બધા માટે વિશ્વમાં ઘણા યુદ્ધ થઇ ચૂક્યા છે. આવુજ કંઈક વીરપુરમાં બન્યું છે. જ્યાં એક મામાએ તેના ભાણેજની હત્યા કરી નાંખી છે. ભાણેજના મામી સાથેના પ્રેમ સબંધ હોવાથી મામાએ ભાણેજની હત્યા કરી હતી. 

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના કેરાળી ગામની સીમના એક કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. વીરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટના મુજબ, વીરપુરના કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાળીમાં છેલ્લા 4 વર્ષથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રહેવાસી એવા નિલેશ રણછોડ વસાવા (ઉ.વ 25) અને તેની પત્ની કૈલાશ બંને ખેત મજુરી કરતા હતા. સાથે તેમની એક પુત્રી અને 3 મહિનાનો પુત્ર સાથે રહેતા હતા. તારીખ 27 ના નવેમ્બરના રોજ નિલેશ તેના ઘરેથી ગુમ થયો હતો તેવી ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશની લાશ ત્યાં થોડે દૂર આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાના ખેતરના કુવામાંથી મળી આવેલ હતી. વીરપુર પોલીસે પ્રથમ તો અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડિટેઈલ ઉપરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાએ કરી હોવાનું સામે આવ્યું હતું. વીરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આગળ વધારી હતી અને હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ઘરપક્કડ કરીને કાયદેસરની કર્યવાહી શરૂ કરી હતી.  

આ પણ વાંચો : આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે

શા માટે મામાએ તેના ભાણેજની હત્યા કરી? 
નિલેશ રણછોડભાઈ વસાવા તારીખ 27 નવેમ્બરના રોજ ઘરેથી ગૂમ થયા બાદ તેની હત્યા થયેલ લાશ નજીક આવેલ ખેતરના કુવામાંથી મળી આવી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલ નંબરની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપરના કોલ અને લોકેશન વગેરેને લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું હતું. જે મુજબ તપાસ કરતા આ નંબર તેની બાજુની વાળીમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીનો હતા. જયારે આ બાબતે વીરપુર પોલીસે વધુ કડક અને ઊંડી તપાસ કરતા હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો.  

ભાણેજની હત્યા કરનાર મામા વિનુને ખબર પડી ગઈ હતી કે, તેની પત્નીને તેના કૌટુંબિક ભાણેજ નિલેશ સાથે પ્રેમ સબંધ છે, જેની જાણ થતા જ મામાએ તેના ભાણેજને મોતના ઘાટ ઉતારવા માટે નક્કી કરી લીધું અને પછી પ્લાન બનાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો કર્યો. 

આ પણ વાંચો : બુધવારની સવારે અમદાવાદમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ

કેવી રીતે મામાએ ભાણેજની હત્યા કરી? 
જયારે મામા વિનુ દીપસિંહ વસાવાને ખબર પડી કે, તેના ભાણેજને તેની પત્ની અને મામી સાથે પ્રેમ સબંધ છે, ત્યારે મામાએ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાની વાળીએ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશને ખૂબ જ દારૂ પીવડાવીને તેને દારૂના નશામાં ચૂર કરી દીધો. દારૂના નશામાં ચૂર નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને ચાલવાના પણ હોંશ ના હતા, ત્યારે મામાએ પોતાનું કંસરૂપ દેખાડીને ભાણેજને ખેતર પાસે આવેલ કૂવામાં ધક્કો માર્યો હતો. નિલેશ કૂવામાં પડીને મૃત્યુ પામ્યો હતો. આમ, મામી અને ભાણેજના અનૈતિક પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો હતો અને તેમાં બે પરિવાર વિખેરાઈ ગયા છે.