હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસનો વિજય, તેલંગાણામાં TRS અને મિઝોરમમાં MNFનો વિજય

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટો ફાયદો થયો છે. પાંચ રાજ્યમાંથી છત્તીસગઢમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થઈ ગયો છે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસને 99 બેઠક મળી છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 114 બેઠક સાથે આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપને રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા ગુમાવવી પડી છે અને મધ્યપ્રદેશમાં અત્યારે ખેંચતાણ ચાલી રહી છે

Updated By: Dec 12, 2018, 08:06 AM IST
હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસનો વિજય, તેલંગાણામાં TRS અને મિઝોરમમાં MNFનો વિજય

નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસનું જબરદસ્ત પુનરાગમન જોવા મળ્યું છે. છત્તીસગઢમાં તો કોંગ્રેસને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થઈ ગયો છે. હજુ પરિણામ જાહેર થયું નથી પરંતુ કોંગ્રેસ 68 બેઠક પર આગળ હોવાથી તેની સરકાર બનવી પાકું થઈ ગયું છે. રાજસ્થાનમાં તમામ બેઠકોનું પરિણામ આવી ગયું છે અને કોંગ્રેસનો 99 બેઠક પર વિજય થયો છે. અહીં કોંગ્રેસને સરકાર બનાવવા માટે માત્ર 1 બેઠકની જરૂર છે. 

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. હાલ અહીં મતગણતરી ચાલુ હોવાથી વિજેતા કહી શકાય એમ નથી, પરંતુ કોંગ્રેસના 88 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે અને 26 બેઠક પર તેના ઉમેદવાર આગળ ચાલતા હોવાથી તેની કુલ 114 બેઠક થાય છે. અહીં સરકાર બનાવવા માટે 116 બેઠક હોવી જરૂરી છે. આથી જો કોંગ્રેસ 114 બેઠક જીતે છે તો તેણે બીએસપી કે અપક્ષોનો ટેકો લેવો પડશે. 

મિઝોરમનું પરિણામ સાંજે જ આવી ગયું હતું. અહીં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી. રાજ્યમાં કુલ 40 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 5 બેઠક મળી હતી. કોંગ્રેસના મુખ્યમંત્રી લાલ થનહવલા બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાએ તેમનો પરાજય થયો હતો. 

તેલંગાણામાં સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS)ને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થયો છે. વર્તમાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR)ની પાર્ટી TRSને 88 બેઠક પ્રાપ્ત થઈ હતી જ્યારે કોંગ્રેસને 19 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. ચંદ્રાબાબુ નાયડુના તેલુગુ દેશમને માત્ર 2 સીટ મળી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા બદલ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાર-જીત તો થતી રહે છે. આ સાથે જ તેમણે મધ્યપ્રદેશના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, તેમણે ટીઆરએસના કેસીઆરને અને મિઝોરમમાં વિજય બદલ મિઝો નેશનલ ફ્રન્ટના નેતાને પણ અભિનંદન પાઠવ્યા હતા. 

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ભવ્ય વિજય માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ પ્રજાનો મત છે અને હવે કોંગ્રેસે કામ કરીને બતાવવું પડશે. એટલે કોંગ્રેસની જવાબદારી બની જાય છે. તેમણે જણાવ્યું કે, આ પરિણામ સ્પષ્ટ કરે છે કે લોકોનો મોદી સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી-2018 પરિણામ 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. અત્યાર સુધીના આંકડા મુજબ કોંગ્રેસના 88 ઉમેદવારને વિજેતા જાહેર કરાયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 90 ઉમેદવાર વિજેતા જાહેર કરાયા છે. હાલ કોંગ્રેસના 26 ઉમેદવાર લીડ કરી રહ્યા છે, જ્યારે ભાજપના 19 ઉમેદવાર લીડ કરી રહ્યા છે. બહુજન સમાજવાદી પાર્ટીના પણ 2 ઉમેદવાર લીડ કરીને આગળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનો 1 ઉમેદવાર વિજેતા જાહેર થયો હતો. આ ચૂંટણીમાં 4 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

મધ્યપ્રદેશમાં આ લખાય છે ત્યાં સુધીમાં 230 બેઠકમાંથી 182 બેઠકનું પરિણામ જાહેર કરી દેવાયું છે, જ્યારે 48 બેઠક પર મતગણતરી ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં ભાજપને 42.2%, કોંગ્રેસને 41.0%, અપક્ષોને 5.9%, બીએસપીને 4.9%, તથા અન્ય પક્ષોને 1 ટકા જેટલા વોટ મળ્યા હતા. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

વધુમાં વાંચો...મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર બાદ કોંગ્રેસ મોટો પક્ષ

વર્ષ 2013માં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો 166 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસનો 57 બેઠક પર વિજય થયો હતો. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો વિજય 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની પરંપરાગત બુધની બેઠક પરથી 58,999 વોટના માર્જિન સાથે વિજેતા બન્યા હતા. શિવરાજ સિંહે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ યાદવને હરાવ્યા હતા. વર્ષ 2013માં શિવરાજ સિંહ ચૌહાણ 84,805 વોટથી જીત્યા હતા. 

11 બેઠકો પર ચાલી રહી છે કાંટાની ટક્કર 
મધ્યપ્રદેશમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો હતો. અહીં, ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રણ ટર્મથી સરકાર ચૂંટાતી આવી છે અને અત્યારે બંને પક્ષો વચ્ચે 11 બેઠક પર કાંટાની ટક્કર ચાલી રહી છે. આ બેઠકો છેઃ અટેર, બ્યાવરા, બીના, દામોહ, જબલપુર ઉત્તર, જેવરા, કોલારસ, નાગૌદ, પથરિયા, રાજનગર, સુવાસરા. 

કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરતો પત્ર લખ્યો
આ દરમિયાન મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી કમલનાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પાસે પોતાનો દાવો રજૂ કરવા માટે સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં તેમનો પક્ષ સૌથી વધુ બેઠક પર વિજેતા બન્યો છે એટલે તેમને સરકાર બનાવવાની સૌ પ્રથમ તક આપવી જોઈએ. આ માટે ચર્ચા કરવા તેમણે રાજ્યપાલનો સમય માગ્યો છે. રાજ્યપાલ તરફથી હજુ કોઈ જવાબ અપાયો નથી. 

મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના બે પ્રબળ દાવેદાર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જે રીતે વાપસી કરી છે તેમાં તેના પીઢ અને અનુભવી નેતા કમલનાથનું નેટવર્ક અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મજબૂત ગ્રાઉન્ડ વર્ક કર્યું છે. અત્યારે આ બંને નેતા રાજ્યમાં મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ કોને મુખ્યમંત્રી બનાવે છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી-2018 પરિણામ

રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસનો 99 બેઠક પર વિજય થયો હતો, જ્યારે સત્તામાં રહેલી ભાજપને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યમાં અપક્ષો 13 બેઠકો પર વિજેતા બનતાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. આ ઉપરાંત રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીના 6, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 2, રાષ્ટ્રીય લોકદલના 1 અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના 3 ઉમેદવારનો વિજય થયો હતો. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના પણ બે ઉમેદવારો વિજેતા બન્યા છે. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. એક બેઠક પર ઉમેદવારનું મૃત્યુ થઈ જતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી. 

રાજસ્થાનમાં કોંગ્રેસને 39.3%, ભાજપને 38.8%, અપક્ષોને 9.5%, બીએસપીને 4.0% અને અન્ય સ્થાનિક પક્ષોને 2% કે તેના કરતાં ઓછા વોટ પ્રાપ્ત થયા હતા. 

19માંથી 13 મંત્રી હાર્યા, વસુંધરા રાજેએ આપ્યું રાજીનામું
રાજ્યમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના 5 કેબિનેટ મંત્રી વજયી બન્યા હતા. જ્યારે તેમના 19માંથી 13 મંત્રીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હારી ગયેલા મંત્રીઓમાં પરિવહન મંત્રી યુનુસ ખાન, ખાણ મંત્રી સુરેનદ્ર પાલ સિંહ ટીટી, યુ઼ડીએચ મંત્રી શ્રીચંદ કૃપાલાનો સમાવેશ થયો છે. વસુંધરા રાજેના નજીકના મનાતા યુનુસ ખાન વિધાનસભા ચૂંટણીમાં 54,179 મતોથી હારી ગયા છે. આ સીટ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યશ્ર અને પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા સચિન પાયલટ જીત્યા છે.

વધુમાં વાંચો...રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપનો પરાજય

જળ સંસાધન મંત્રી ડૉ.રામ પ્રતાપ હનુમાનગઢ સીટ પર 15522 મતોથી તો પશુપાલન મંત્રી રહેલા ઓટારામ દેવાસી સિરોહી સીટ પર 10253 મતથી હારી ગયા છે. આ રીતે રાજે સરકરાના કૃષિમંત્રી પ્રભુ લાલ સૈની અંતા સીટ પરથી 34059 મતોથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના પ્રમોદભાયાએ હરાવ્યો છે. ખાણ મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ ટીટી કરણપુર સીટ પર હાર્યા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. ખાદ્ય મંત્રી બાબૂ લાલ વર્મા બારા અટરૂ સીટ પર 12248 મતોથી હાર્યા છે. જ્યારે પર્યટન મંત્રી કૃષ્ણેન્દ્ર કૌર દીપા નદબઇ સીટ પર બસપાના જોગિંદર સિંહથી 4094 મતોથી હાર્યા છે, જ્યારે યુડીએચ મંત્રી શ્રીચંદ કૃપલાની 11908 મતોથી હાર્યા છે. 

કોંગ્રેસના બળવાખોરો બન્યા કિંગમેકર 
કોંગ્રેસ દ્વારા ટિકિટ ન મળવાને કારણે કોંગ્રેસ પક્ષ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા અને પછી વિજેતા બનેલા ઉમેદવારો હવે રાજ્યમાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. કેમ કે રાજ્યમાં કોંગ્રેસનો 99 બેઠકપર વિજય થયો છે, અને તેને સરકાર રચવા માટે 100નો આંકડો કરવો જરૂરી છે. રાજ્યમાં સૌથી વધુ 13 અપક્ષો ચૂંટાઈને આવ્યા છે. 

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-2018 પરિણામ

છત્તીસગઢમાં અત્યાર સુધી આવેલા પરિણામમાં કોંગ્રેસના 45 ઉમેદવાર વિજેતા જાહેર થઈ ગયા છે અને 23 લીડ મેળવી રહ્યા છે. આ રીતે રાજ્યમાં કોંગ્રેસનો 68 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપના 10 ઉમેદવાર વિજેતા બન્યા છે અને 5 ઉમેદવાર લીડ કરી રહ્યા હોવાથી ભાજપને 15 બેઠક પ્રાપ્ત થશે. 90 બેઠકની છત્તીસગઢ વિધાનસભામાં બહુમત માટે 46 બેઠક મળવી જરૂરી છે, જેની સામે કોંગ્રેસના 68 ઉમેદવાર વિજેતા બનવાના હોવાથી અહીં કોંગ્રેસની સરકાર બનવી લગભગ નક્કી થઈ ગયું છે. 

રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢના 3 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે અને 2 ઉમેદવાર લીડ કરી રહ્યા હોવાથી તેને 5 બેઠક પ્રાપ્ત થશે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો 1 ઉમેદવાર વિજેતા થયો છે અને 1 ઉમેદવાર લીડ કરી રહ્યો છે, એટલે તેને 2 બેઠક પ્રાપ્ત થશે. 

રમણ સિંઘનું રાજીનામું:
છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંઘે હાર સ્વીકારવાની સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. રમણ સિંઘ છેલ્લી ત્રણ ટર્મથી રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા અને ચોથી વખત તેમના મુખ્યમંત્રી બનવાની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેમને એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો હતો. રમણ સિંઘ 2003થી રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા. રાજીનામું આપવાની સાથે જ રમણ સિંઘે હારની જવાબદારી પણ પોતાના માથે લીધી હતી.

વધુમાં વાંચો...છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામઃ 68 બેઠક સાથે કોંગ્રેસની ક્લીન સ્વીપ, ભાજપના સુપડા સાફ

મુખ્યમંત્રી પદ માટે 4 દાવેદાર
છત્તીસગઢમાં કોંગ્રેસે ચૂંટણી તો ભવ્ય રીતે જીતી લીધી છે, પરંતુ હવે તેના માટે સૌથી મોટો સવાલ મુખ્યમંત્રી પસંદ કરવાનો છે. કેમ કે અહીં પણ મુખ્યમંત્રી પદ માટે 4 દાવેદાર છે. છત્તીસગઢના રાજપરિવારમાંથી આવતા અને પૂર્વ વિધાનસભાના વિપક્ષના નેત ટી.એસ. સિંઘદેવ મુખ્ય દાવેદાર છે. આ ઉપરાંત રાજ્યમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ એવા તમરધ્વજ સાહુ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તેમની સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચંદ્રદાસ મહંત અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ ભુપેશ બઘેલ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે ત્યારે હાઈકમાન્ડ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની મુશ્કેલી ઉભી થશે. 

પ્રત્યેક વર્ગનો સહકારઃ ભૂપેશ બઘેલ
છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ ભૂપેશ બઘેલે જણાવ્યું કે, કોંગ્રેસ સમાજના તમામ વર્ગોની પડખે ઊભી રહી છે તેના પરિણામે તેને આ વિજય પ્રાપ્ત થયો છે. આ માટે તેમણે રાજ્યના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને રાહુલ ગાંધીને વિજયનો શ્રેય આપ્યો હતો. 

તેલંગાણા વિધાનસભા ચૂંટણી-2018 પરિણામ

તેલંગાણામાં વર્તમાન મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)અને કોંગ્રેસ-તેલુગુ દેશમના ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવતી હતી. જોકે, તમામ અનુમાનો ફગાવી દઈને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પૂર્ણ બહુમત સાથે 88 બેઠકો પર વિજયી બની છે. રાજ્યમાં કોંગ્રેસનો 19, તેના સાથી પક્ષ તેલુગુ દેશમનો 2, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ-મુસ્લિમીન 7 બેઠક, ઓલ ઈન્ડિયા ફોરવોર્ડ બ્લેક 1 અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)નો માત્ર એક બેઠકપર વિજય થયો હતો. 

રાજ્યમાં TRSને 46.9%, કોંગ્રેસને 28.4%, ભાજપને 7.0%, ટીડીપીને 3.5%, અપક્ષોને 3.3%, AIMIMને 2.7%, બીએસપીને 2.1% વોટ મળ્યા હતા. રાજ્યમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના મોટાભાગના મંત્રીઓનો તેમની બેઠક પર વિજય થયો હતો. તેલંગાણામાં આગામી સપ્તાહમાં નવી સરકાર શપથ લે તેવી સંભાવના છે. 

સિંચાઈને આપીશું પ્રાથમિક્તાઃ કે.ટી. રામરાવ 
ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેલંગા રાષ્ટ્ર સમિતિમાં નંબર-2 કહેવાતા કે.ટી. રામા રાવે જણાવ્યું કે, "નવી સરકાર રાજ્યમાં સિંચાઈને પ્રાધાન્ય આપશે. તેલંગાણાની 1 કરોડ એકર જમીનને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેના માટે સરકાર પુરતા પ્રયાસ કરશે." આ સાથે જ તેમણે TRSમાં વિશ્વાસ મુકવા બદલ અને ચૂંટણીમાં વિજયી બનાવવા માટે તેલંગાણાની પ્રજાનો આભાર માન્યો હતો. 

વધુમાં વાંચો...તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામઃ KCRની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનો પૂર્ણ બહુમત સાથે ભવ્ય વિજય

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકાર્યો અને વિકાસ બંને વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધવાના પરિણામ પાર્ટીને લોકોએ બહુમત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, "અમારી પાર્ટીએ માત્ર ચૂંટણી નથી જીતી, પરંતુ લોકોનાં હૃદય જીતી લીધા છે. હવે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દિલ્હીમાં પોતાની વાત મજબૂતાઈથી રજૂ કરી શકશે."

કોંગ્રેસ અને તેના ગઠબંધનને નુકસાન નહીં
તેલંગાણામાં કોંગ્રેસે 2014માં 21 બેઠક જીતી હતી, જ્યારે આ વખતની ચૂંટણીમાં તેને 19 બેઠક પર વિજય મળ્યો હતો. કોંગ્રેસે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને આ ચૂંટણી લડી હતી. તેલુગુ દેશમ પાર્ટીનો 2 બેઠક પર વિજય થયો હતો. જ્યારે 2014માં ટીડીપીએ 13 બેઠક પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ મતદારોને રિઝવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે. 

મિઝોરમ વિધાનસભા ચૂંટણી-2018 પરિણામ

મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મિઝોરમમાં સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે, જ્યારે સત્તામાં રહેલી કોંગ્રેસને માત્ર 5 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. MNFની બેઠકમાં ઝોરામથંગાને પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. ઝોરામથંગા આ અગાઉ 1998 અને 2003માં રાજ્યમાં મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. 

કોંગ્રેસના 3 વખત મુખ્યમંત્રી બનેલા લાલ થનહવલા પોતે પણ બે બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસને અહીં એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવા પડ્યો હતો.મિઝોરમમાં ભાજપનું ખાતું ખુલ્યું છે અને તેને 1 બેઠક મળી છે. મિઝોરમમાં 8 અપક્ષો વિજયી બન્યા છે. 

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટને આ ચૂંટણીમાં 37.8% વોટ મળ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 30.2% મત મળ્યા હતા. ભાજપને 8.0% જ્યારે અપક્ષોને 22.9% વોટ પ્રાપ્ત થયા હતા.

વધુમાં વાંચો...મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામઃ વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટનો વિજય, કોંગ્રેસનો સફાયો

ઝોરમથંગાને MNFના નેતા તરીકે ચૂંટાયા 
મિઝો નેશનલ ફ્રન્ટના વિજેતા ધારાસભ્યોની મંગળવારે એક બેઠક મળી હતી. જેમાં ઝોરામથંગાને મિઝો નેશનલ ફ્રન્ટના પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ઝોરામથંગા હવે સાંજે ગવર્નર કે. રાજશેખરનને મળીને રાજ્યમાં સરકાર દાવો રચવાનો દાવો કરવાના હતા. 

લાલ થનહવલાએ આપ્યું રાજીનામું 
મિઝોરમમાં 5 વખત મુખ્યમંત્રી બનેલા કોંગ્રેસના લાલ થનહવલાએ ચૂંટણીમાં મળેલા પરાજય બાદ મુખ્યમંત્રી પદેથી રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. તેઓ સેરચિપ અને ચામ્પાઈ દક્ષિણ એમ બંને બેઠક પર હારી ગયા હતા.