Teacher's Day 2020 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા.

Updated By: Sep 5, 2020, 04:01 PM IST
Teacher's Day 2020 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ...

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પ્રખ્યાત નોબેલ પુરસ્કાર માટે 27 વખત નોમિનેટ કરાયા હતા. 1954માં ભારત સરકાર દ્વારા તેમને 'ભારત રત્ન' એનાયત કરાયો હતો. 

શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પોત-પોતાની રીતે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા હોય છે. 1962માં દેશના રાષ્ટ્રપતિ બનેલા ડો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષણશાસ્ત્રી અને શિક્ષક તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. શિક્ષણ ક્ષેત્રે તેમના અભુતપૂર્વ યોગદાન માટે 1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા. 

ભારતમાં જે રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે, એ જ રીતે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે. 

Happy Teachers Day: શિક્ષકના આ શબ્દો તમે ક્યારેય ભૂલી નહી શકો, શું તમે પણ સાંભળ્યા છે આ શબ્દો?

દુનિયાના 100થી વધુ દેશોમાં જુદી-જુદી તારીખે શિક્ષક દિવસ મનાવાય છે. દુનિયાના 20 દેશમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે, જ્યારે 11 દેશમાં 28 ફેબ્રુઆરીના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. 

- અમેરિકામાં 1944માં મેટે વાયટે વુડબ્રિજે સૌથી પહેલા શિક્ષક દિવસની તરફેણ કરી હતી. ત્યાર પછી 1953માં કોંગ્રેસે તેને માન્યતા આપી હતી. 1980માં 7 માર્ચના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પસંદ કરાયો હતો. ત્યાર પછી મે મહિનાના મંગળવારના રોજ તેનું આયોજન કરાયું હતું.

- સિંગાપોરમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શુક્રવારને શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. 

- અફઘાનિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ 5 ઓક્ટોબરનો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે અહીં શાળામાં રજા હોય છે, પરંતુ કેટલીક સ્કૂલોમાં શિક્ષકો સાથે કાર્યક્રમોનું આયોજન કરાય છે. 

- આર્જેન્ટિનામાં 11 સપ્ટેમ્બરના રોજ આર્જેન્ટિનાના સાતમા રાષ્ટ્રપતિ ડોમિંગો ફોસ્ટિનો સરમિન્ટોના માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. તેમણે દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. 11 સપ્ટેમ્બર, 1888ના રોજ તેમનું નિધન થયું હતું. 

- ભુટાનમાં ત્રીજા રાજાના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે 2 મેના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. તેમણે દેશમાં ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું. 

- ચીનમાં 10 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાતો હતો. ત્યાર પછી લોકોએ ચીનના મહાન દાર્શનિક કન્ફ્યુસિયસના જન્મદિવસ 28 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવા સરકારને વિનંતી કરી હતી. તાઈવાનમાં 28 સપ્ટેમ્બરના રોજ જ શિક્ષક દિવસ મનાવાય છે. 

- એલ સેલવાડોરમાં 22 જુનના રોજ શિક્ષક દિવસ મનવાય છે. આ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે. 

કયા-કયા દેશમાં શિક્ષક દિવસ મનાવાય છેઃ 
અલ્બાનિયા, અલ્જેરિયા, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા,આઝરબૈજાન, બાંગ્લાદેશ, બોલિવિયા, બ્રાઝિલ, બુલ્ગારિયા, કેનેડા, કોલંબિયા, કોસ્ટા રિકા, ચેઝ રિપબ્લિક, ઈક્વાડોર, ઈજિપ્ત, જર્મની, ગ્રીસ, હંગેરી, ભારત, ઈરાન, ઈઝરાયેલ, જમૈકા, લાટવિયા, મલેશિયા, મેક્સિકો, મોંગોલિયા, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, પેરૂ, ફિલિપિન્સ, પોલેન્ડ, રશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, ટુર્કી, યુનાઈટેડ કિંગડમ, વિયેટનામ, વેનેઝુએલા, યમન અને અન્ય. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube