આસામમાં NRCની અંતિમ યાદી જાહેર, જાણો શું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન?

યાદી બહાર પાડ્યા પછી રાજ્યમાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. એનઆરસી કાર્યાલયે જણાવ્યું કે, આ અંતિમ યાદીમાંથી 19,06,677 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, અંતિમ યાદીમાં 3,11,21,004 લોકોને ભારતીય નાગરિક જણાવાયા છે. 
 

આસામમાં NRCની અંતિમ યાદી જાહેર, જાણો શું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન?

નવી દિલ્હીઃ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની અંતિમ યાદી બહાર પાડી દેવાઈ છે. આ યાદીમાં રાજ્યના 3.11 કરોડ લોકોના નામ સામેલ છે, જ્યારે 19 લાખથી વધુ લોકો તેમાંથી બહાર થઈ ગયા છે. યાદી બહાર પાડ્યા પછી રાજ્યમાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. એનઆરસી કાર્યાલયે જણાવ્યું કે, આ અંતિમ યાદીમાંથી 19,06,677 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, અંતિમ યાદીમાં 3,11,21,004 લોકોને ભારતીય નાગરિક જણાવાયા છે. 

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે શું? 
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન કોઈ પણ રાજ્યમાં રહેતા લોકો માટે એક કાયદેસરનો રેકોર્ડ છે. વર્ષ 1951માં પ્રથમ વખત તેને તૈયાર કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય નાગરિકોની ગણતરી કરવી અને તેમના ઘરની સાથે-સાથે અચલ સંપત્તિની પણ વિગતો રાખવાનો હતો. ઉદાહરણ તરીકે, નામ, ઉંમર, પિતાનું નામ, પતિનું નામ, વિસ્તાર, ઘર અને અન્ય જરૂરી વસ્તુઓ. આ સમગ્ર ડેટા વર્ષ 1951ની વસતી ગણતરી અનુસાર તૈયાર થયો હતો. 

આસામમાં NRC અપડેટ કરવાની શા માટે જરૂર પડી?
વર્ષ 1951માં NRC તૈયાર કરી દેવાયા પછી આસામના લોકોના આવવાની સંખ્યામાં વધારો થઈ ગયો. વર્ષ 1971માં જ્યાં સુધી બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી વિખુટું ન પડ્યું ત્યાં સુધી પૂર્વ પાકિસ્તાનમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ આસામમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1972માં બાંગ્લાદેશની આઝાદી પછી પણ આ સંખ્યા વધતી રહી. જેના કારણે આસામમાં વર્ષોથી રહેતા મુળ આસામના લોકો અને બહારથી ઘુસણખોરી કરીને આવેલા લોકો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિવાદ વધતો જોતાં આસામના વિદ્યાર્થીઓ સક્રિય થઈ ગયા અને 'ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન' નામથી એક સંગઠન બનાવીને આ ઘુસણખોરી રોકવા માટે પ્રદર્શન શરૂ કરી દીધું હતું. 

ઘુસણખોરી રોકવા ક્યાં પહોંચ્યા સ્ટૂડન્ટ્સ? 
ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયને પોતાના રાજ્ય સ્તરે લગભગ 8 વર્ષ સુધી પ્રદર્શન કર્યું. જોકે, તેમને ઘુસણખોરી રોકવા માટે સફળતા મળી નહીં. આથી વિદ્યાર્થીઓનું એક જૂથ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા પહોંચ્યું અને આ સમગ્ર બાબતે સંજ્ઞાન લેવા જણાવ્યુ. ઈન્દિરા ગાંધીએ આ મુદ્દાને ગંભીર ગણ્યો અને વર્ષ 1983માં આસામ માટે સંસદમાં 'ગેરકાયદે પ્રવાસી એક્ટ' પસાર કરવામાં આવ્યો. 

આસામના નાગરિક કોણ? 
આસામમાં ઘુસણખોરી બાબતે પ્રદર્શન કર્યા પછી વર્ષ 1985માં ભારત સરકાર, ઓલ અસમ સ્ટૂડન્ટ્સ યુનિયન વચ્ચે એક કરાર થયો. જેના અનુસાર સિટિઝનશિપ એક્ટ, 1955માં સંશોધન કરવામાં આવ્યું. આ કાયદા અનુસાર, ભારતમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ, જેમાં 1 જાન્યુઆરી, 1966 સુધી બાંગ્લાદેશથી ભારતમાં આવેલા લોકોને પણ નાગરિક માનવામાં આવ્યા. જ્યારે 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971ની વચ્ચે આવેલા લોકો પોતાનું નામ રજિસ્ટર કરાવીને ભારતની નાગરિક્તા મેળવી શક્તા હતા. 

કેવી રીતે NRC અપડેટ કરાયું? 
લોકોએ પોતાના વારસદાર કોડ સાથે એક ફોર્મ સબમિટ કરવાનું હતું. જેમાં એક પીએનઆર પ્રકારનો યુનિક કોડ છે, જે તેમના વંશજો કે પરિવારને લિન્ક કરે છે. આ વારસાઈ દસ્તાવેજમાં 25 માર્ચ, 1971 સુધીની ચૂંટણી ડેટા અને 1951 NRC ડેટાનો સમાવેશ કરાયો છે. વારસાના દસ્તાવેજ ઉપરાંત પણ તેમાં 12 પ્રકારના અન્ય દસ્તાવેજ જમા કરાવી શકાય છે. 

તમારું નામ NRCમાં કેવી રીતે ચેક કરશો? 
નામ ચેક કરવા માટે NRC કચેરીમાં જવા ઉપરાંત તેની વેબસાઈટ પર પણ ચેક કરી શકાય છે. આટલું જ નહીં તમે એક એસએમએસ કરીને પણ તેની માહિતી મેળવી શકો છો. તેના માટે 24X7  ટોલ ફ્રી નંબર 15107 પર આસામમાંથી કોલ કરી શકો છો. આસામની બહાર રહેતા લોકો 18003453762 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. તેના માટે 21 ડિજિટનો એપ્લિકેશન રિસ્પ્ટ નંબર (ARN) આપવાનો રહેશે. એનઆરસીની વેબસાઈટ www.nrcassam.nic.in છે. 

ARN નંબર ગુમ થયો હોય તો શું કરવું? 
જો કોઈ વ્યક્તિનો ARN નંબર ગુમ થઈ ગયો હોય તો તે સીધો જ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે. આ દરમિયાન તેણે પોતાના પરિવારના વડીલનું નામ અને રજિસ્ટ્રેશનના સમયે આપવામાં આવેલો મોબાઈલ નંબર આપવાનો રહેશે. 

શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર્યાપ્ત છે? 
આસામના મુળ નિવાસી હોવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ પેદા કર્યા વગર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આપવામાં આવેલા દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની ભુલ જણાય તો તેને બીજી રીતે પણ ચકાસીને પુરાવો મેળવવાનો પ્રયાસ કરાયો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news