મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?

તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તે વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે કે શપથગ્રહણ સમારોહનો ભાજપ દ્વારા રાજકીય ફાયદો ઉઠાવાઈ રહ્યો છે 
 

મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેઓ વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન જીવ ગુમાવનારા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને આમંત્રણ અપાયું છે. આ રીતે ભાજપ શપથગ્રહણ સમારોહનો રાજકીય ફાયદો ઉઠાવી રહી છે. 

આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 30મેના રોજ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે. રાજ્ય સચિવાલય તરફથી જણાવાયું હતું કે, મમતાએ જણાવ્યું કે, શપથગ્રહણ સમારોહ માટે મંગળવારે આમંત્રણ મળ્યું છે અને તેઓ બંધારણિય શિષ્ટાચાર તરીકે તેમાં ભાગ લેશે. 

જૂઓ મમતા બેનરજીએ પત્રમાં શું લખ્યું છે.....

— Mamata Banerjee (@MamataOfficial) May 29, 2019

મમતાએ વધુમાં જણાવ્યું કે, "મેં કેટલાક અન્ય મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી છે અને ત્યાર પછી કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે." તેમણે કહ્યું કે, "બંધારણ અંતર્ગત કેટલાક ઔપચારિક કાર્યક્રમ હોય છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળતા અમે આવા કાર્યક્રમમાં ભાગ લેવાનો પ્રયાસ કરીએ છીએ."

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળ માટે 30 મે, ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન પદના શપથ લેશે. સોગંધવિધિનો સમય સાંજે 7.00 કલાકનો રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની સાથે લગભગ 60થી 70 મંત્રીઓ શપથ લે તેવી સંભાવના છે. જોકે, અત્યાર સુધી કોને મંત્રી બનાવવામાં આવશે તે બાબત ગુપ્ત રાખવામાં આવી છે અને છેક છેલ્લી ઘડીએ જ ચૂંટાયેલા સાંસદોમાંથી કોને મંત્રીપદ મળશે તેની જાણ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે યોજાનારા શપથ વિધિ સમારોહમાં દેશનાં તમામ રાજ્યોનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના મુખ્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટોચનાં સૂત્રોએ જણાવ્યું કે, આ ઉપરાંત દેશના તમામ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આ સમારોહમાં બોલાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષના જે નેતાઓને આમંત્રણ અપાયું છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણુલ કોંગ્રેસના પ્રમુખ અને  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, જેડીએસ નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી તથા આપ પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news