હું 24 કલાક સતર્ક રહીને દેશની ચોકીદારી કરવા માગું છું: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓડિયોબ્રિજ' નામના ડિજિટલ માધ્યમથી દેશના 25 લાખ સુરક્ષાકર્મીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમણે કેટલાક ચોકીદારોના સવાલોના જવાબ આપ્યા હતા, વડા પ્રધાનનું 'મૈં ભી હું ચોકિદાર' અભિયાન છેલ્લા બે દિવસથી ટ્રેન્ડમાં છે

હું 24 કલાક સતર્ક રહીને દેશની ચોકીદારી કરવા માગું છું: પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓડિયોબ્રિજ' નામના ડિજિટલ માધ્યમથી સુરક્ષા ગાર્ડ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હું પણ તમારી જેમ ચોકીદાર છું. હું હંમેશાં સતર્ક રહું છું અને દેશને સુરક્ષિત રાખવા માટે કામ કરતો રહેવા માગું છું. હું હંમેશાં મારી ટીકાને જ મારો હથિયાર બનાવી દઉં છું. 

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાનનું 'મૈં ભી હું ચોકીદાર' અભિયાન છેલ્લા બે દિવસથી ટ્રેન્ડમાં છે. ઓડિયોબ્રિજ સાથે વડા પ્રધાને કેટલાક સુરક્ષા ગાર્ડ સાથે વાતચીત કરી હતી અને તેમના સવાલોનો જવાબ આપ્યો હતો. જેમાં દેશના કેટલાક વિસ્તારોમાંથી લોકોએ તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. 

મહિલા સુરક્ષા કર્મી સાથે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, એક મહિલા જ્યારે સુરક્ષાનું કામ કરે છે તે જાણીને મને ગર્વ થયો છે.

વડા પ્રધાને સૌ પ્રથમ ચોકીદારોની માફી માગતા જણાવ્યું કે, કેટલાક લોકોએ તમારા નામનો ખોટો ઉપયોગ કર્યો અને 'ચોકીદાર ચોર' કહેવાનું શરૂ કર્યું. આ પ્રકારે તમારું જે અપમાન થયું છે તેના માટે હું માફી માગું છું. કેટલાક લોકો મને સીધી રીતે નિશાન બનાવી શક્તા ન હતા તેના કારણે તેમણે તમારા નામનો ખોટો ઉપયોગ કર્યો છે. 

ઓડીશાના એક સુરક્ષા ગાર્ડે વડા પ્રધાનની પ્રશંસા કરતા જણાવ્યું કે, "તમે પાકિસ્તાન પર જે હુમલો કર્યો તેનાથી અમે અત્યંત ખુશ છીએ. આપણી સેનાએ જે કામ કર્યું છે તેના કારણે અમારી છાતી પહોળી થઈ ગઈ છે. અમે તમારી સાથે જ છીએ." પીએમ મોદીએ જવાબ આપતા જણાવ્યું કે, આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે તેના કારણે દેશને ગર્વ થયો છે. 

પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે, વિરોધ પક્ષના પેટમાં સેનાના પરાક્રમને કારણે પેટમાં દુખ્યું છે. આજે આખો દેશ ચોકીદાર હોવાના શપથ લઈ રહ્યો છે. પાકિસ્તાનમાં જઈને ભારતીય સેનાએ બોમ્બમારો કર્યો તે કેટલાક લોકોને પચ્યું નથી. 

પીએમ મોદીએ ચોકીદારોને જાગૃત રહેવા માટે સુચન કરતા જણાવ્યું કે, હું પણ તમારી જેમ દેશનો ચોકીદાર છું. સતત જાગૃત છું. ગરીબોની ભલાઈ માટે આ સરકારે કામ કર્યું છે. શ્રમયોગી યોજનાથી દેશના કામદારોને લાભ પહોંચ્યો છે. 

પીએમ મોદીએ જણાવ્યું કે, તમને કોઈ ભલે ચોર કહીને બોલતા રહે, આપણે ચિંતા કરવાની નથી. મારો સ્વભાવ છે કે, મને જે ગાળ આપવામાં આવે છે તેને હું ઘરેણું બનાવી દઉં છું. મારું કામ 24 કલાક સતર્ક રહેવાનું છે. 'મૈં ભી ચોકીદાર હું' અભિયાનને દેશવાસીઓએ વધાવી લીધું છે. આજે નાનો બાળક પણ કહે છે કે, મારે ચોકીદાર બનવું છે. આથી તમારે ચિંતા કરવાની નથી. સાથે જ તેમણે દેશના તમામ ચોકીદારો અને દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news