સોનિયા ગાંધી કોંગ્રેસના ઘોષણાપત્રના મુખપૃષ્ઠની ડિઝાઈનથી નારાજ

કોંગ્રેસના ઘોષણાપત્રના કવર પેજ પર જે પ્રકારનો ઘાટો રંગ પસંદ કરાયો છે તેનાથી તેઓ નાખુશ છે, તેઓ કવર પેજ પર આછો કલર રાખવા માગતા હતા 

સોનિયા ગાંધી કોંગ્રેસના ઘોષણાપત્રના મુખપૃષ્ઠની ડિઝાઈનથી નારાજ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રના મુખપૃષ્ઠથી નારાજ છે. તેઓ કવર પેજ પર આછો રંગ રાખવા માગતા હતા. 

WIONને સૂત્રોએ જણાવ્યું કે, નવી દિલ્હી ખાતે કોંગ્રેસના વડામથકમાં ઘોષણાપત્ર લોન્ચ કરતા પહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા રાજીવ ગૌડાને કહ્યું હતું કે તેઓ ઘોષણાપત્રના મુખપૃષ્ઠની જે થીમ રાખવામાં આવી છે તેનાથી નારાજ છે. 

ગૌડા કે જેઓ કોંગ્રેસનું ઘોષણાપત્ર તૈયાર કરનારી સમિતિના વડા પણ હતા તેમણે સ્વીકાર્યું કે સોનિયા ગાંધીએ તેમની સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, "આપણે ઘોષણાપત્રમાં નેતાઓના ફોટા મુકતા નથી, પરંતુ લોકોનો ફોટો મુકીએ છીએ." ગૌડાએ વધુમાં જણાવ્યું કે, આ કવર પેજ તૈયાર કરતાં પહેલા સામ પિત્રોડા સહિતના ટોચના નેતાઓ સાથે અનેક બેઠક થઈ હતી. 

સોનિયા ગાંધીએ જ્યારે ઘોષણાપત્ર ખોલીને અંદરથી વાંચ્યું ત્યારે તેમણે સુચન કર્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં 9મા પાના ઉપર જે ફોટો મુકવામાં આવ્યો છે, તેને મુખપૃષ્ઠ પર મુકવાની જરૂર હતી. આ ફોટામાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઘૂંઘટ કાઢેલી મહિલાઓની વચ્ચે બેઠા છે. 

(સોનિયા ગાંધીએ ઉપરોક્ત ફોટો કવર પેજ મુકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.)

સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસની ઘોષણાપત્ર સમિતિએ આ ફોટાના બદલે બીજો ફોટો એટલા માટે ઉપયોગ કર્યો કેમ કે, 'આ ફોટો દેખાવમાં સારો હતો, પરંતુ ઘૂંઘટ ધરાવતી મહિલાઓને કદાચ તેમનો ફોટો આવી રીતે છપાય તે ગમતું નહીં. સાથે જ મર્યાદાનું પણ ઉલ્લંઘન થતું.'

ગૌડાએ વધુમાં જણાવ્યું કે, સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના ફોટાની સાઈઝ વિશે પણ કંઈ કહ્યું નથી કે તેમણે કોંગ્રેસના અન્ય નેતાઓના ફોટા કવર પેજ પર ન હોવા અંગે પણ કોઈ ટિપ્પણી કરી ન હતી. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ કોંગ્રેસની ઘોષણાપત્ર સમિતિના ચેરમેન હતા. કોંગ્રેસે 'અમે પાળી બતાવીશું' ટેગલાઈન સાથે તેમનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. 55 પાનાના આ ઘોષણાપત્રમાં કોંગ્રેસે અનેક પ્રજાલક્ષી યોજનાઓ અને વચનોની જાહેરાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news