લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ જૂઓ દેશ અને રાજ્યોમાં બદલાયેલો રાજકીય નકશો અને પાર્ટીઓના સમીકરણ
લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધને 354 બેઠકો પર વિજય મેળવીને અન્ય તમામ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે. દેશના અનેક રાજ્યોમાં પાર્ટીએ ક્લીન સ્વિપ મેળવી છે, જેના કારણે સમગ્ર દેશ અને રાજ્યોમાં રાજકીય નકશો બદલાઈ ગયો છે અને તેની સાથે જ રાજકીય પક્ષોના સમીકરણ પણ બદલાઈ ગયા છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધને પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવ્યો. NDA ગઠબંધને 354 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો પર વિજય મેળવીને સંસદમાં બહુમત માટે જરૂરી 272ના આંકડાને પાર કરી લીધો હતો. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને માત્ર 52 બેઠક પર સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય બે આંકડામાં વિજય મેળવનારા રાજકીય પક્ષોમાં ડીએમકેને 23, ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસને 22, વાયએસઆરઆરપીને 22, શિવસેનાને 18, જેડી(યુ)ને 16, બીજેડીને 12, બીએસપીનો 10 બેઠક પર વિજય થયો હતો. અન્ય પક્ષો અને અપક્ષોની મળીને કુલ 64 સીટનો આંકડો છે. આ આંકડાએ સમગ્ર દેશમાં અને વિવિધ રાજ્યોમાં સંપૂર્ણ રાજકીય નકશો બદલી નાખ્યો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો બીજો વિજય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. બાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડા સાફ
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપને હરાવીને સત્તામાં આવેલી કોંગ્રેસને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની 29 લોકસભા સીટમાંથી કોંગ્રેસનો માત્ર 1 સીટ પર વિજય થયો હતો, જ્યારે ભાજપે 28 સીટ જીતી લીધી હતી.
કર્ણાટકમાં ભાજપનું પુનરાગમન
કર્ણાટકમાં પણ સત્તામાં રહેલા કોંગ્રેસ-JDS ગઠબંધનને પછડાટ આપતાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. ભાજપે લોકસભાની 28માંથી 25 બેઠકો કબ્જે કરી હતી. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના સાંસદ અને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા મોહન દેલકરે ભાજપના સાંસદ નટુભાઈ પટેલને માત્ર 9,001ના પાતળા માર્જિન સાથે હરાવ્યા હતા.
આંધ્રપ્રદેશમાં જગમોહન રેડ્ડીની લહેર
આંધ્રપ્રદેશમાં સત્તાધારી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને રાજ્ય વિધાનસભા અને લોકસભા બંનેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જગમોહન રેડ્ડીની યુવાજના સરમિકા રથ્યુ કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની 25માંથી 22 સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે ટીડીપીને માત્ર 3 સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં પણ ભાજપનો પ્રવેશ
જમ્મુ અને કાશ્મીરની 6 લોકસભા બેઠકમાંથી ભાજપે 3 અને નેશનલ કોન્ફરન્સે 3 બેઠક પર વિજય મેળવ્યો હતો. પંજાબમાં લોકસભાની કુલ 13 સીટમાંથી કોંગ્રેસે 8 પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપ અને શિરોમણી અકાલી દળે 2-2 સીટ જીતી હતી. એક સીટ આમ આદમી પાર્ટીએ જીતી હતી. હિમાચલ પ્રદેશની લોકસભાની તમામ 4 સીટ પર ભાજપનો વિજય થયો હતો.
દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપનો વિજય
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 7 લોકસભા સીટ ભાજપે જીતી લીધી હતી. રાજ્ય વિધાનસભામાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળી ન હતી.
BJDએ ઓડિશામાં પ્રભૂત્વ જાળવ્યું
બીજુ જનતા દળે ઓડીશાની લોકસભાની 21માંથી 12 સીટ પર વિજય મેળવ્યો હતો. ભાજપે 8 જ્યારે કોંગ્રેસને 1 સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
મહારાષ્ટ્રમાં NDAનો સપાટો
મહારાષ્ટ્રમાં ભાજપે 23 જ્યારે તેના સાથી પક્ષ શિવ સેનાએ 18 સીટ પર વિજય મેળવ્યો હતો. એનસીપીએ 4 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ, AIMIM અને અપક્ષે 1-1 સીટ જીતી હતી. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટ છે. મણીપૂરમાં ભાજપે 1 અને નાગા પીપલ્સ ફ્રન્ટે 1 સીટ જીતી હતી.
આસામમાં ભાજપે જીતી 9 સીટ
આસામ લોકસભાની કુલ 14 સીટમાંથી ભાજપે 9 જ્યારે કોંગ્રેસનો 3 સીટ પર વિજય થયો હતો. આ ઉપરાંત ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને અપક્ષે 1-1 સીટ જીતી હતી.
ઉત્તરપ્રદેશમાં ભાજપે જીતી 62 સીટ
રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં આ વખતે ભાજપે 62 સીટ જીતી છે, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થાય છે. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ જીતી 22 સીટ
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર હતી. ભાજપે પશ્ચિમ બંગાળની તમામ 42 સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમાંથી તેના 18 ઉમેદવાર વિજેતા બન્યા હતા. જ્યારે તૃણમુલ કોંગ્રેસે લોકસભાની 22 સીટ પર વિજય મેળવ્યો હતો.
રાજસ્થાનમાં ભાજપે જીતી 24 સીટ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પરાજયની સાથે સત્તા ગુમાવ્યા પછી ભાજપે પુનરાગમન કરતાં રાજ્યની લોકસભાની તમામ 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેમાં ભાજપે 24 અને તેના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળે 2 સીટ જીતી હતી.
બિહારમાં NDAની ક્લીન સ્વિપ
બિહારની 40 લોકસભા બેઠકમાંથી ભાજપે 17 સીટ પર વિજય મેળવ્યો હતો. તેના સાથી પક્ષ જેડી(યુ)એ 16 સીટ જીતી હતી, જ્યારે લોક-જનશક્તિ પાર્ટીએ 6 સીટ પર વિજય મેળવ્યો હતો.
કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDFને 19 સીટ
કેરળની કુલ 20 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને 19 સીટ પર વિજય મેળવ્યો હતો. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો વાયનાડ સીટ પર મોટા અંતર સાથે વિજય થયો હતો. ઉત્તરાખંડમાં ભાજપે તમામ 5 લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ગોવામાં દક્ષિણ ગોવાની સીટ કોંગ્રેસે જ્યારે ઉત્તર ગોવાની સીટ ભાજપે જીતી હતી. ચંડીગઢની એકમાત્ર લોકસભા સીટ પર ભાજપના સાંસદ કિરણ ખેરનો વિજય થયો હતો, જેમણે કોંગ્રેસના નેતા પવન કુમાર બંસલને હરાવ્યા હતા.
ઝારખંડમાં NDAની 11 સીટ
ઝારખંડની 14 લોકસભા બેઠકમાંથી ભાજપે 11 સીટ જીતી હતી. કોંગ્રેસ, ઝારખંડ મુક્તી મોરચા અને એજેએસયુ પાર્ટીનો 1 સીટ પર વિજય થયો હતો. પોડુચેરીમાં સત્તાધારી કોંગ્રેસે પોતાનો દબદબો જાળવી રાખતાં એકમાત્ર લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. સિક્કિમની એકમાત્ર લોકસભા સીટ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઇન્દ હંગ સુબાએ જીતી હતી.
હરિયાણામાં BJPનો સપાટો
હરિયાણાની લોકસભાની તમામ 10 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવીને અન્ય તમામ પક્ષોનો સફાયો કરી નાખ્યો હતો.
ગુજરાતમાં લહેરાયો ભગવો
ગુજરાતની લોકસભાની 26 લોકસભા બેઠક છે. ભાજપે 62.21 ટકા વોટ સાથે તમામ બેઠકો પર વિજય મેળવીને કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો.
તેલંગાણામાં TRSને ઝટકો
તેલંગાણામાં સત્તાધારી પાર્ટી TRSને ફટકો સહન કરવો પડ્યો હતો. તેણે લોકસભાની 17માંથી માત્ર 9 સીટ પર વિજય મેળવ્યો હતો. ભાજપને આશ્ચર્યજનક રીતે રાજ્યમાં પ્રવેશ કરતાં 4 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસે 3 સીટ પર વિજય મેળવ્યો હતો.
અરૂણાચલ પ્રદેશમાં ભાજપની ક્લીન સ્વિપ
અરૂણાચલ પ્રદેશની બંને લોકસભા સીટ ભાજપે જીતી હતી. જમ્મુ અને કાશ્મીરની 6 લોકસભા સીટમાંથી ભાજપે 3 અને નેશનલ કોન્ફરન્સે 3 સીટ જીતી હશે.
છત્તીસગઢમાં પણ ભાજપનો વિજય
છત્તીસગઢ લોકસભાની કુલ 11 સીટમાંથી ભાજપે 9 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 2 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. છત્તીસગઢ વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર છે. પંજાબમાં લોકસભાની કુલ 13 સીટમાંથી કોંગ્રેસે 8 પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપ અને શિરોમણી અકાલી દળે 2-2 સીટ જીતી હતી. એક સીટ આમ આદમી પાર્ટીએ જીતી હતી. હિમાચલ પ્રદેશની લોકસભાની તમામ 4 સીટ પર ભાજપનો વિજય થયો હતો.
Trending Photos