અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ
સમગ્ર દેશ સહિત વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના નામથી જ લોકો ફફડી રહે છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢનો લોકો વર્ષોથી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે અહીં કોરોના નામની હોટલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :સમગ્ર દેશ સહિત વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના નામથી જ લોકો ફફડી રહે છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢનો લોકો વર્ષોથી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે અહીં કોરોના નામની હોટલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
કોરોનાની મહામારીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક લોકોના મોત થયા છે. તો અનેક લોકો તેની ઝપેટમાં આવ્યા છે. કોરોનાને લઈને સમગ્ર ભારતમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે હાલ કોરોનાનું નામ પડતા જ અનેક લોકો ડરી રહ્યા છે અને મોટાભાગના લોકો ઘરની અંદર જ કેદ થઈ ગયા છે. પરંતુ કોરોના વાયરસ આવ્યો તે પહેલાં બનાસકાંઠાના અમીરગઢના લોકો માટે આ નામ નવું ન હતું. કારણ કે અમીરગઢ હાઇવે ઉપર 2015થી જ કોરોના નામની હોટલ આવેલી છે.
આ કોરોના હોટલમાં લોકો વટથી જમવા જતા હતા. પરંતુ હવે લોકડાઉનના કારણે આ હોટલ બંધ છે. પરંતુ હવે આ કોરોના નામની હોટલને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે, જેથી આ હોટલ આગળ લોકો આવીને ફોટા પાડી રહ્યા છે અને સેલ્ફી ખેંચી રહ્યા છે. જોકે આ હોટલનું નામ કોરોના પહેલેથી જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તેનો ખરેખર મતલબ શુ થાય તેની કોઈને ખબર નથી. સ્થાનિક લોકોને પૂછયું તો તેઓએ જણાવ્યું કે, કોરોનાનો મતલબ તાજ અથવા સ્ટાર ગેલેક્સી એવું થાય છે. જોકે ગુજરાત તેમજ દેશના લોકો માટે થોડા મહિના પહેલા જ કોરોના શબ્દ નવો આવ્યો હતો. પરંતુ અમીરગઢના લોકો માટે કોરોનાનું આગમન 2015માં જ થઈ ગયું હતું.
જોકે હવે કોરોનાની મહામારી ચાલી રહી છે અને આ મહામારી પૂરી થયા બાદ આ કોરોના નામની હોટલ ફરીથી ધમધમતી જોવા મળશે તેવુ હોટલના માલિક બકારભાઈએ જણાવ્યું. આમ,મજાની વાત તો એ છે કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠામાં કોરોના 2015 માં જ આવી ગયો હતો.
Trending Photos