Breaking News: દુનિયામાં સૌપ્રથમ રશિયાએ લોન્ચ કરી કોરોનાની રસી, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને અપાઈ રસી

કોરોનાની રસીની દોડમાં રશિયા સૌથી આગળ નીકળી ગયું છે અને તેણે કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી હોવાનો રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ પુતિનના દીકરીને આ તૈયાર થએલી કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. 

Updated By: Aug 11, 2020, 03:33 PM IST
Breaking News: દુનિયામાં સૌપ્રથમ રશિયાએ લોન્ચ કરી કોરોનાની રસી, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને અપાઈ રસી

નવી દિલ્હી: કોરોનાની રસીની દોડમાં રશિયા સૌથી આગળ નીકળી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મંગળવારે મોટી જાહેરાત કરી કે તેમના દેશે કોરોના વાયરસની પહેલી રસી બનાવી લીધી છે. વ્લાદિમિર પુતિને દાવો કર્યો કે આ દુનિયાની પહેલી સફળ કોરોના વાયરસ રસી છે જેને રશિયાના આરોગ્ય મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં વ્લાદિમિર પુતિને કહ્યું કે તેમની પુત્રીને પણ રસી અપાઈ છે. 

સમાચાર એજન્સી AFPની જાણકારી મુજબ આ વેક્સિનને મોસ્કોના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટે ડેવલપ કરી છે. મંગળવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને સફળ ગણાવી. આ સાથે જ વ્લાદિમિર પુતિને જાહેરાત કરી કે રશિયામાં જલીદ આ વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે. પુતિને કહ્યું કે તેમની બે પુત્રીઓમાંથી એક પુત્રીને રસી આપવામાં આવી છે અને તે સારું મહેસૂસ કરી રહી છે. તેમણે કહ્યું કે ટેસ્ટ દરમિયાન સારા પરિણામ આવ્યાં, તેમણે દાવો કર્યો કે આ રસીના કારણે કોરોના વાયરસથી લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકાશે. 

અત્રે જણાવવાનું કે દુનિયામાં હાલ કોરોના વાયરસની રસી બનાવવાની અનેક ટ્રાયલ ચાલી રહી છે. WHOના જણાવ્યાં મુજબ લગભગ 100થી વધુ વેક્સિન બનાવવા પર કામ ચાલે છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ, ચીન, રશિયા અને ભારત જેવા દેશ સામેલ છે. ભારતમાં કોરોના વાયરસની રસી હજુ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે.આ રસી બનાવવાનું બીજું સ્ટેજ છે. રશિયાની સરકારે જાહેરાત કરી છે કે આ રસી સૌથી પહેલા મેડિકલ કર્મચારીઓને અને અધ્યાપકોને આપવામાં આવશે. આ સાથે જ તે લોકોને પણ રસી અપાશે જેમને કોરોના સંક્રમિત હોવાનું જોખમ વધુ હશે. રશિયા પોતાના દેશમાં ઓક્ટોબરથી બધા લોકો માટે વેક્સિનેશનની શરૂઆત કરશે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

હવે જો રશિયા તરફથી કરાયેલી જાહેરાત સાચી સાબિત થાય અને WHO તરફથી આ રસીને મંજૂરી મળી જાય તો દુનિયાભર માટે આ રાહતના સમાચાર બની શકે છે. જો રશિયામાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અહીં લગભગ નવ લાખ લોકો કોરોનાથી અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. રશિયામાં પંદર હજારથી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. રશિયા એ દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટ કરાયા છે. રશિયાના પ્રધાનમંત્રી ઉપરાંત  કેબિનેટના  કેટલાક અન્ય સભ્યો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં હતાં. 

રશિયાની રસી પર ઉઠ્યા હતાં સવાલ
આ રસીનું નિર્માણ ગમાલિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને રશિયાના રક્ષા મંત્રાલયે કર્યું છે. જો કે રિપોર્ટ્સ મુજબ આ રસી 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર્ડ થવાની હતી. રશિયાની સફળતા પર દુનિયાના અનેક દેશ શંકા પણ વ્યક્ત કરે છે અને ઉતાવળમાં કરાયેલા રસીના રજિસ્ટ્રેશન પર સવાલ પણ ઉઠાવી રહ્યાં છે. આ દેશોનું કહેવું છે કે ફેઝ 3ની ટ્રાયલ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું યોગ્ય નથી. કારણ કે તેમાં અનેક મહિનાનો સમય જાય છે અને હજારો લોકોના જીવન દાવ પર લાગે છે. દુનિયાના જાણીતા ચેપી રોગના એક્સપર્ટ ડોક્ટર એન્થની ફોસી પણ રશિયાની રસી પર શરૂઆતથી જ સવાલ ઉઠાવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે રશિયામાં આ રસીની ક્લિનિકલ ટ્રાયલ 18 જૂનના રોજ શરૂ થઈ હતી. જેમાં 38 લોકોએ ભાગ લીધો હતો. જેમાં તમામે વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી મેળવી લીધી હતી. પહેલું ગ્રુપ 15 જુલાઈના રોજ ડિસ્ચાર્જ  કરાયું. જ્યારે બીજું ગ્રુપ 20 જુલાઈના રોજ છોડવામાં આવ્યું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube