લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર

ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા નાણાની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવતી હોય છે અને આ નાણું મોટાભાગે કાળુ હોય છે, જેનો કોઈ હિસાબ-કિતાબ હોતો નથી

લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર

ગૌરવ પટેલ/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે જ સરકારના વિવિધ વિભાગો પણ સક્રિય થઈ ગયા છે. ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા નાણાની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવતી હોય છે અને આ નાણું મોટાભાગે કાળુ હોય છે, જેનો કોઈ હિસાબ-કિતાબ હોતો નથી. આથી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે ઈન્કટમ ટેક્સ વિભાગે પણ કમર કસી લીધી છે. 

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારના ખર્ચ માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. નવા નિયમો મુજબ ઉમેદવારે ચૂંટણી પૂરી થયા પછી તેણે કરેલા ખર્ચાઓનો ચૂંટણી પંચને હિસાબ પણ આપવાનો હોય છે. આ ઉપરાંત, ઈન્કમ ટેક્સ વિભાગ પણ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચા પર નજર રાખતું હોય છે. 

ઇન્કમટેક્ષ વિભાગની તૈયારી અંગે ગુજરાતના ઇન્કમટેક્ષ વિભાગના ડીરેક્ટર જનરલ અમિત જૈને જણાવ્યું કે, "ઇન્કમટેક્ષ વિભાગનું કામ લોકસભાની ચુંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ થતો અટકાવાનું છે. ચુંટણી દરમ્યાન થતી રૂપિયાની હેરફેર પર વિભાગના અધિકારીઓ બાજ નજર રાખશે. આ કામમાં રાજ્યના 33 જિલ્લા માટે 33 ટીમોમાં કુલ 404 અધિકારીઓને ખડેપગે રાખવામાં આવ્યા છે. રાજ્યના એક હેડ સાથે કુલ છ ઝોનના છ હેડ નક્કી કરાવામાં આવ્યા છે"

On tax scrutiny matters, taxman to connect with taxpayers via e-mail from FY17

અમિત જૈને વધુમાં જણાવ્યું કે, "આઈટી વિભાગ દ્વારા 24/7 કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જો કોઇ વ્યક્તિ રોકડ રકમની હેરફેર માટેની માહિતી આપવા કે ફરિયાદ કરવા માગતો હોય તો તેના માટે  ૧૮૦૦ ૨૩૩૭૪૪ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં મળતી માહિતીના આધારે જે તે જિલ્લાની ટીમને સુચના આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ સાથે જ રોકડ રૂપિયાની હેરફેર અટકાવવા માટે રાજ્યના 11 એરપોર્ટ પર પણ ટીમ તૈનાત કરવામાં આવી છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કુલ 4.66 કરોડની રોકડ રકમ અને 1 કિલો સોનું ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા પકડવામાં આવ્યું હતું. જે પૈકી 1 કિલો સોનું અને 1.39 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા હતા. જો કોઇ વ્યક્તિ પાસે રૂ.૧૦ લાખથી વધુની રોકડ રકમ અને એક કિલો સોનું હશે તો આઇટી વિભાગ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવશે. જો તે વ્યક્તિ પાસે રકમ અને સોના અંગેના યોગ્ય પુરાવા નહીં હોય તો કાયદાકીય ધોરણે જે  દંડ અને સજાની જોગવાઇ હશે તે મુજબ કાર્યવાહી કરાશે."

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દેશમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ થવાની સાથે જ ચૂંટણીને લગતા તમામ કાયદાઓ અમલમાં આવી જતા હોય છે. આથી, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા અપીલ કરાઈ છે કે, જે વ્યક્તિ મોટી રકમ લઇને નિકળે તો તેના માટેના જરૂરી દસ્તાવેજો સાથે રાખે. ઇન્કમટેક્ષ વિભાગના રડારમાં અનેક આંગડીયા પેઢી અને રોકડ વ્યવહાર કરતી એજન્સીઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news