મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે
પ્રવીણ તોગડિયાએ પોતાની હિન્દુસ્થાન નિર્માણ દલ પાર્ટી તરફથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની સામે પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે, ગુજરાતમાં તેમની પાર્ટીના 9 ઉમેદવાર ચૂંટણી લડવાના છે
Trending Photos
ગાંધીનગરઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નુકસાન પહોંચાડવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વીએચપીમાંથી છૂટા પડ્યા બાદ પ્રવીણ તોગડિયાએ સૌથી પહેાલ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાની સ્થાપના કરી હતી અને ત્યાર પછી પોતાના રાજકીય પક્ષ 'હિન્દુસ્થાન નિર્માણ દલ'ની સ્થાપના કરીને ભાજપ અને મોદી સરકાર સામે ટક્કર લેવાની જાહેરાત કરી હતી.
પ્રવીણ તોગડિયા અનેક વખત જાહેરસભાઓમાં જણાવી ચૂક્યા છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સારા મિત્ર છે. પ્રારંભના દિવસોમાં તેઓ અને પીએમ મોદી એક જ સ્કૂટર પર ગુજારતમાં વિવિધ જગ્યાએ સંઘ અને પાર્ટી માટે પ્રચારનું કામ કરતા હતા. જોકે, મોદીના પીએમ બન્યા બાદ તોગડિયા સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા. વીએચપી અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ તોગડિયા પીએમ મોદી સામે એકદમ આક્રમક બનીગ યા છે.
હવે તેમણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે પોતાના રાજકીય પક્ષના નેજા હેઠળ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે. લોકસભા 2019ની ચુંટણી માટે પ્રવીણ તોગડિયાના 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દ્વારા પક્ષનું ચુંટણીનું નિશાન પાણીની ટાંકી રાખવામાં આવ્યું છે. 'અબકી બાર હિન્દુત્વ કી સરકાર'ના નારા હેઠળ 'હિન્દુસ્થાન નિર્માણ દળ' તરફથી દેશની 100 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરાયું છે. જેના માટે શુક્રવારે ગુજરાત (9), ઉત્તરપ્રદેશ (19), આસામ (7), હરિયાણા (1) અને ઓડીશા(5)ની કુલ 41 સીટના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી.
શુક્રવારે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતની 26માંથી 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામ તેમજ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના નામની પણ જાહેરાત કરાઈ હતી. 'હિન્દુસ્થાન નિર્માણ દળ' પક્ષ તરફથી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, પંચમહાલ અને દાહોદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
ગુજરાતની કઈ બેઠક પર ભાજપની સામે લડશે તોગડિયાની પાર્ટીના ઉમેદવાર
બેઠક ભાજપના ઉમેદવાર તોગડિયાના ઉમેદવાર
ગાંધીનગર અમિત શાહ અમરીશ પટેલ
કચ્છ વિનોદ ચાવડા પ્રવીણ ચાવડા
અમદાવાદ પૂર્વ બાકી... ઋષિ વેકરિયા
અમદાવાદ પશ્ચિમ ડો. કિરિટ સોલંકી રતી.કે.ચૌહાણ
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ હસમુખ પટેલ
સુરેન્દ્રનગર ડો. મહેન્દ્ર મુજપરા દારજી દેકાવાડિયા
જૂનાગઢ બાકી... ગોપાલ મોવલિયા
પંચમહાલ બાકી... વિજયસિંહ રાઠોડ
દાહોદ જસવંતસિંહ ભાભોર રામસંગ કાલારા
ઉલ્લેખનીય છે કે, આશરે 40 દિવસ પહેલા જ પ્રવીણ તોગડિયાએ રાજકીય પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ની જાહેરાત કરી હતી અને હવે દેશભરમાંથી આશરે 100 જેટલી બેઠકો પર ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે