3 મિનિટના નૃત્યએ બદલ્યું હતું જયાપ્રદાનું નસીબ, બોલિવૂડની ટોચની અભિનેત્રી આવી રીતે બની રાજનેતા
સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહી ચૂકેલા જયાપ્રદા મંગળવારે ભાજપમાં જોડાયાં છે, જયાપ્રદાએ 25 વર્ષની રાજકીય કારકિર્દીમાં 5 પાર્ટી બદલી છે
Trending Photos
નવી દિલ્હીઃ 70ના દાયકામાં દક્ષિણની ફિલ્મોમાં પોતાની અભિનય કારકિર્દી શરી કરનારી અભિનેત્રી જયાપ્રદાએ બોલિવૂડમાં પણ સારી એવી નામના મેળવી અને પ્રસિદ્ધિ પણ મેળવી હતી. 80ના દાયકામાં જયાપ્રદા હિન્દિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. બોલિવૂડના એક જાણીતા દિગ્દર્શકે જણાવ્યું હતું, જયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 3 દાયકા સુધી રાજ કરનારી જયાપ્રદાએ રાજનીતિમાં પણ હાથ આજમાવ્યો અને તે આ ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહી ચૂકેલા જયાપ્રદા મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. વરિષ્ટ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીએ તેમને પક્ષનું સભ્યપદ અપાવ્યું હતું.
પાર્ટી જોઈન કર્યા બાદ જયાપ્રદાએ જણાવ્યું કે, ભાજપે તેમને સન્માન સાથે બોલાવ્યાં છે, આથી આપાર્ટીની હું આભારી છું. હું પ્રથમ વખત એક રાષ્ટ્રીય પાર્ટીમાં જોડાઈ છું. મને દેશના બહાદુર નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે. જયાપ્રદાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ આભાર માન્યો. આ પ્રસંગે જયાએ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ, એન.ટી. રામારાવ અને ચંદ્રાબાબુ નાયડુ જેવા વરિષ્ઠ નેતાઓને યાદ કરતા જણાવ્યું કે, હું આ તમામ લોકોનું આભારી છું જેમણે મને રાજનીતિમાં કામ કરવાની તક આપી છે.
દેશની રાજનીતિને આપ્યા 25 વર્ષ
જયાપ્રદાએ 1994માં તેલુગુ દેશમ પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ચંદ્રાબાબુ નાયડુ સાથે પોતાની રાજકીય કારકિર્દીને આગળ ધપાવી હતી અને અંતમાં સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી. 2009માં જયાપ્રદાએ રામપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. ત્યાર પછી 2014માં જયાપ્રદાએ અજિત સિંહની આરએલટી પાર્ટી જોઈન કરી હતી. આમ, જયાપ્રદાએ પોતાની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધી 5 પાર્ટી જોઈન કરી છે.
Delhi: Veteran actor and former MP Jaya Prada joins Bharatiya Janata Party. pic.twitter.com/vmZD3H1PSL
— ANI (@ANI) March 26, 2019
10 રૂપિયાથી કરી હતી કારકિર્દીની શરૂઆત
આંદ્રપ્રદેશમાં 3 એપ્રિલ, 1962ના રોજ જયાપ્રદાનો જન્મ થયો હતો. બાળપણમાં માતા-પિતાએ જયાનું નામ લલિતા રાની રાખ્યું હતું. જયાની માતાએ તેને નૃત્યની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. 14 વર્ષની ઉંમરમાં જયાએ પોતાની સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં નૃત્ય પરફોર્મન્સ આપ્યું હતું.
એ સમયે દક્ષિણની ફિલ્મોના એક દિગ્દર્શક ત્યાં હાજર હતા અને જયાના નૃત્યથી તેઓ એટલા ખુશ થઈ ગયા કે તેમણે જયાને તક આપી. પ્રથમ ફિલ્મમાં જયાએ 3 મિનિટનું નૃત્ય કર્યું હતું અને આ માટે તેને રૂ.10 મળ્યા હતા. આ ત્રણ મિનિટના નૃત્યએ જયાની જિંદગી કાયમ માટે બદલી નાખી.
દક્ષિણની હિન્દી રીમેક સાથે થઈ બોલિવૂડમાં એન્ટ્રી
વર્ષ 1979માં આવેલી ફિલ્મ 'સરગમ' સાથે જયાપ્રદાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 'સરગમ' દક્ષિણ ફિલ્મની રીમેક હતી. આ ફિલ્મમાં જયાની સાથે બોલિવૂના તત્કાલિન ચોકલેટી હીરો ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતો. જયાપ્રદાની જોડી જીતેન્દ્ર, અમિતાભ, મિથન અને ઋષિ કપૂર સાથે જામી હતી. દક્ષિણની ફિલ્મોમાં જયાએ કમલ હાસન અને રજનીકાંત સાથે ધૂમ મચાવી હતી.
3 બાળકોના પિતા સાથે લગ્ન કરી વિવાદમાં આવી
જયાપ્રદાની પ્રોફેશનલ લાઈફ જેટલી હિટ રહી, પર્સનલ લાઈફમાં પણ તેટલી જ ઉથલપાથલ જોવા મળી છે. જયાપ્રદા ફિલ્મના નિર્માતા શ્રીકાંત નહાટા સાથે લગ્ન કરીને ચર્ચામાં આવી હતી. ખાસ વાત એ હતી કે, શ્રીકાંત નહાટા અગાઉથી જ પરિણીત હતા અને 3 બાળકોના પિતા હતા. આ લગ્ન બાદ જયાપ્રદા અંગે જોરદાર વિવાદ થયો હતો. ત્યાર પછી જયાપ્રદાએ એક પુત્રને પણ દત્તક લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે