દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ રહેશે

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું બેઠું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, શુક્રવારે ઉમરપાડામાં રાજ્યનો સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ચિખલી અને વાંસદામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 
 

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ રહેશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું બેઠું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, શુક્રવારે ઉમરપાડામાં રાજ્યનો સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ચિખલી અને વાંસદામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 

હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ દરમિયાન મધ્યમ વરસાદ પડશે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન ખાતાએ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. 

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં ભારે વરસાદ જોવા મળશે. જોકે, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેવી સંભાવના છે. 

રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે સવારે 6થી સાંજના 6 કલાક દરમિયાન જાહેર કરેલા વરસાદના આંકડા અનુસાર શુક્રવારે ઉમરપાડામાં રાજ્યનો સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ચિખલી અને વાંસદામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગણદેવી, ડાંગના વઘઈ અને સુરતના મહુવામાં 3.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

વ્યારા, ડોલવણ અને સુરત શહેરમાં શુક્રવારે દિવસ દરમિયાન 3.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જાંબુઘોડા, તાપીના ઉચ્છલ, સુરતના કામરેજમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ડાંગના સુબરી, છોટા ઉદેપુરના બોડેલી, તાપીના વલોડ અને બારડોલીમાં 2.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ 1થી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સુરત શહેરમાં આજે આખો દિવસ વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પંચમહાલના હાલોલ, ઘોઘમ્બા અને જાંબુઘોડામાં સાંજે શરૂ થયેલા વરસાદે બે કલાક કરતાં પણ વધુ સમય સુધી બેટિંગ કરી હતી. જેના કારણા જંગલ વિસ્તારમાં નાના-નાના ઝરણા પ્રવાહિત થઈ ગયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news