આજથી વડોદરાના 120 હોટસ્પોટ પર માસ્ક વગર ફરનારાઓને થશે દંડ

આજથી વડોદરાના 120 હોટસ્પોટ પર માસ્ક વગર ફરનારાઓને થશે દંડ
  • શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ કાર્યવાહી કરશે.
  • વડોદરામાં 120 હોટસ્પોટ હોટસ્પોટ નક્કી કરાયા છે. જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતના અન્ય શહેરોમાં પણ દિવાળી બાદ કોરોનાના કેસોમા ઉછાળો આવ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ (corona case) વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાશે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ ટીમ ફરશે અને માસ્ક (mask) ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરશે. 

મોલ-દુકાનોમાં ભીડ દેખાશે તો સીલ કરાશે 
તો પ્લાનિંગ બાદ વડોદરામાં આજથી કોરોનાને લઈ તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં 120 હોટસ્પોટ હોટસ્પોટ નક્કી કરાયા છે. જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. માસ્ક વગર દુકાનમાં કામ કરનાર, વેપાર કરનારની દુકાનો સીલ કરવાનું શરૂ કરાયું છે. 24 ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરાઈ છે. જે શહેરના મોટા મોલ માટે ચારેય ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી છે, જે મોલમાં ભીડ હશે તે મોલને સીલ કરાશે. 

ગઈકાલે વડોદરાના ઓએસડી વિનોદ રાવે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, વડોદરામાં 120 હોટ સ્પોટ નક્કી કરાયા છે. આ તમામ હોટ સ્પોટમાં પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ કાર્યવાહી કરશે. માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલાશે. તો સાથે જ શહેરના ગાર્ડન અને પબ્લિક સ્પોટ પર રાહત દરે માસ્કનું વેચાણ કરાશે. 

ગઈકાલે સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢી હતી 
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે માસ્ક મામલે ઝાટકણી કાઢતા કહ્યું કે, 80 ટકા લોકો માસ્ક પહેરતા નથી. તો અનેક લોકોના જડબા પર માસ્ક લટકતા હોય છે. કાર્યક્રમો અને જલસા થઈ રહ્યાં છે. લોકો માસ્ક નથી પહેરતા, જડબા પર માસ્ક લટકે છે. એસઓપી અને ગાઈડલાઈન બનાવી દેવાઈ છે. પણ ઈચ્છા શક્તિ દેખાઈ નથી રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news