ભાજપમાં જોડાઈને દાદીનું સપનું પૂરું કરશે જ્યોતિરાદિત્ય સિંધિયા? પરિવારના જનસંઘ સાથે હતા ગાઢ સંબંધ
જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો આંચકો આપી દીધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને તેમના પગલે અન્ય 20 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આમ તો જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે.
દાદી હતાં જનસંઘના નેતા
તેમના દાદી રાજમાતા વિજયારાજે સિંધિયા જનસંઘના નેતા રહી ચૂક્યા છે. વિજયારાજે સિંધિયાએ 1957માં કોંગ્રેસમાં રહીને પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી. તેઓ ગુના લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં પરંતુ કોંગ્રેસમાં 10 વર્ષ વીતાવ્યાં બાદ તેમનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો હતો. વિજયારાજે સિંધિયાએ 1967માં જનસંઘ જોઈન કર્યું. વિજયારાજે સિંધિયાના કારણે જ ગ્વાલિયરમાં જનસંઘ ખુબ મજબુત થયું. વર્ષ 1971માં સમગ્ર દેશમાં જબરદસ્ત ઈન્દિરા લહેર હોવા છતાં જનસંઘે ગ્વાલિયરમાં 3 બેઠકો પર જીત મેળવી હતી. વિજયારાજે સિંધિયા ભીંડથી, તેમના પુત્ર માધવરાવ સિંધિયા ગુનાથી અને અટલબિહારી વાજપેયી ગ્વાલિયરથી સાંસદ બન્યા હતાં.
રાજમાતાના નામથી મશહૂર વિજયારાજે સિંધિયા ઈચ્છતા હતાં કે તેમનો આખો પરિવાર ભાજપમાં રહે. હવે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના આ સપનાને સાકાર કરતા જોવા મળી રહ્યાં છે.
પિતા જોડાયા કોંગ્રેસમાં
ગુના લોકસભા બેઠક લાંબા સમય સુધી સિંધિયા પરિવારના કબ્જામાં રહી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા ફક્ત 26 વર્ષની ઉંમરમાં ગુનાથી જનસંઘની ટિકિટ પર સાંસદ ચૂંટાઈ આવ્યાં હતાં. જો કે ત્યારબાદ માધવરાવ સિંધિયાએ જનસંઘ સાથે નાતો તોડી લીધો હતો. ઈમરજન્સી ખતમ થયા બાદ 1977માં માધવરાવ સિંધિયાએ જનસંઘ છોડી દીધુ. આ કારણથી તેમના માતા વિજયરાજે સિંધિયા ખુબ નારાજ પણ થયા હતાં. પરંતુ માધવરાવ સિંધિયાએ પોતાનું રાજકારણ કોંગ્રેસમાં રહીને જ કરવાનું નક્કી કરી લીધુ હતું. વર્ષ 1980માં માધવરાવ સિંધિયાએ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને જીતીને કેન્દ્રીય મંત્રી પણ બન્યાં. 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી નજીક પ્લેન ક્રેશમાં માધવરાવ સિંધિયાનું મૃત્યું થયું હતું.
બંને ફોઈઓ ભાજપ સાથે
વિજયરાજે સિંધિયાની પુત્રીઓ વસુંધરા રાજે સિંધિયા અને યશોધરા રાજે સિંધિયાએ ભાજપ સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. અને હજુ પણ તેઓ ભાજપમાં જ છે. વસુંધરા રાજે સિંધિયા 1984માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ થયાં. તેઓ અનેકવાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને રાજ્યમાં ભાજપના સૌથી મોટા નેતા છે. હાલમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેમના પુત્ર દુષ્યંત પણ ભાજપમાંથી જ રાજસ્થાનના ઝાલાવાડ બેઠકથી સાંસદ છે.
જુઓ LIVE TV
જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ સાથે રાજનીતિની શરૂઆત કરી
માધવરાવ સિંધિયાની નાની બહેન અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નાના ફોઈ યશોધરા સિંધિયા 1977માં અમેરિકા જતા રહ્યાં હતાં. તેઓ જ્યારે ભારત પાછા ફર્યા તો 1994માં ભાજપમાં સામેલ થયાં. તેઓ મધ્ય પ્રદેશથી ભાજપની ટિકિટ પર 5વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. શિવરાજસિંહ ચૌહાણની અગાઉની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. દાદી અને પોતાની ફોઈઓની ઉલ્ટું જ્યોતિરાદિત્ય સિંધિયાએ પિતાના પગલે જવાનું પસંદ કર્યું અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈને રાજકારણ શરૂ કર્યું. તેઓ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુનાથી સતત સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. પરંતુ આ વખતે 2019માં લોકસભા ચૂંટણીમાં તેમણે ગુનામાં હારનો સામનો કરવો પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે