ભારત-ચીન વિવાદ: ટ્રમ્પના દાવા પર ભારતનું રિએક્શન, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત થઈ નથી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં વધેલા તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે એક પ્રકારે ફગાવી દીધુ છે. ઉચ્ચસ્તરીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. 

ભારત-ચીન વિવાદ: ટ્રમ્પના દાવા પર ભારતનું રિએક્શન, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત થઈ નથી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં વધેલા તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે એક પ્રકારે ફગાવી દીધુ છે. ઉચ્ચસ્તરીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. 

સૂત્રોનું કહેવું છે કે ભારતનું સ્પષ્ટ વલણ છે કે ભારત ચીન સાથે સરહદ સંબંધિત વિવાદ મુદ્દે ડાઈરેક્ટ સંપર્કમાં છે. બંને દેશો વચ્ચે આ માટે એક સુનિશ્ચિત મિકેનિઝમ છે જેના દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે છેલ્લે વાત હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાબતે 4 એપ્રિલના રોજ થઈ હતી. અત્રે જણાવવાનું કે ગુરુવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત અને ચીન સરહદ વિવાદ મુદ્દે ડાઈરેક્ટ ટચમાં છે. 

— ANI (@ANI) May 29, 2020

આ અગાઉ ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફર ફરીથી દોહરાવતા કહ્યું કે 'આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી.' અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ મોટા વિવાદ પર તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાના સવાલોના જવાબ આપતા આ વાત કરી. 

'ભારત-ચીન વચ્ચે મોટું ઘર્ષણ, બંને ખુશ નથી'
ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે એક મોટું ઘર્ષણ ચાલી રહ્યું છે. હું તમારા પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી)ને ખુબ પસંદ કરું છું. તેઓ એક મહાન જેન્ટલમેન છે. ભારત-ચીન વચ્ચે મોટો વિવાદ છે. બંને દેશો પાસે લગભગ 1.4 અબજ વસ્તી છે. બંને દેશોની સેનાઓ ખુબ શક્તિશાળી છે. ભારત ખુશ નથી અને શક્ય છે કે ચીન પણ ખુશ નથી.'

— ANI (@ANI) May 28, 2020

ભારતે ટ્રમ્પની મધ્યસ્થાની ઓફર ઠુકરાવી
આ અગાઉ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે ટ્રમ્પની ઓફરને ઠુકરાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું હતું કે, 'અમે તેના શાંતિપૂર્ણ સમાધાન માટે ચીનના સંપર્કમાં છીએ.' શ્રીવાસ્તવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધી રહ્યાં હતાં. આ દરમિયાન પત્રકારોએ તેમને ભારત-ચીન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ઓફર પર અનેક સવાલ કર્યા હતાં. 

અનુશાસનનું પ્રદર્શન, સંપ્રભુતા સાથે સમાધાન નહીં-ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઓનલાઈન પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે, 'ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટનું મોટી જવાબદારી સાથે સન્માન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતી સૈનિકો સમસ્યાના ઉકેલ માટે ચીન સાથે થયેલા દ્વિપક્ષીય સંધિઓ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાઓનું કડકાઈથી પાલન કરી રહ્યાં છે.'

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો સરહદ મેનેજમેન્ટને લઈને (ભારત-ચીન) રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે થયેલી સહમતિ અને તેમના તરફથી નિર્ધારિત દિશા-નિર્દેશોનું ખુબ ઝીણવટપૂર્વક પાલન કરે છે. જો કે તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે 'અનુશાસનનું પ્રદર્શન કરતા સંપ્રભુતાની રક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતની સંપ્રભુતા અડીખમ રાખવા પ્રત્યે અમારા સંકલ્પમાં અડગ છીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news