ચંદ્ર પર માનવઃ 50 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, જાણો મિશન એપોલો-11 વિશે...

21 જુલાઈ. 1969ના રોજ બપોરે 2.56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે બજ આલ્ડ્રિન અને માઈક કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. જોકે, આ મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો. 
 

ચંદ્ર પર માનવઃ 50 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, જાણો મિશન એપોલો-11 વિશે...

નવી દિલ્હીઃ 21 જુલાઈ, 1969ના રોજ આજથી 50 વર્ષ પહેલા માનવીએ ચંદ્ર પર પગ મુકીને ઈતિહાસ રચી નાખ્યો હતો. તેની સાથે જ ભવિષ્યમાં અંતરિક્ષ સુધી પહોંચ વધારવાની સંભાવનાઓના દરવાજા પણ ખોલી નાખ્યા હતા. 16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 21 જુલાઈ. 1969ના રોજ બપોરે 2.56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે બજ આલ્ડ્રિન અને માઈક કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો. 

1961માં પ્રથમ વખત અંતરિક્ષમાં પહોંચ્યો હતો માનવી 
1961માં પ્રથમ વખત માનવી અંતરિક્ષમાં પહોંચ્યો હતો. તત્કાલિન સોવિયત સંઘ (હવે રશિયા)ના અંતરિક્ષ યાત્રી યુરી ગેગરીન અંતરિક્ષમાં પહોંચનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા. તેઓ સોવિયત સંઘના અંતરિક્ષયાન વોસ્ટોકમાં બેસીને પૃથ્વીની કક્ષાની બહાર નિકળ્યા હતા અને પછી સકુશળ ધરતી પર પાછા આવ્યા હતા. સોવિયત સંઘની આ સફળતા પછી અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, અમેરિકા આગામી 10 વર્ષના અંદર માનવીને ચંદ્ર પર પહોંચાડશે અને ત્યાંથી સકુશળ પાછો પણ લાવશે. 

એક દાયકાની મહેનત પછી મળી સફળતા
જોન. એફ. કેનેડીની જાહેરાત પછી નાસાની ટીમ કામે લાગી ગઈ હતી અને માનવીને ચંદ્ર પર ઉતારવા માટે એક દાયકા સુધી આકરી મહેનત કરી હતી. આ અભિયાનમાં નાસાના 5 લાખ વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપ્યું હતું. 

ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુકનારા નીલ આર્મસ્ટ્રોંગ(ફાઈલ ફોટો- નાસા)

લૂનર મોડલ બનાવવામાં લાગ્યા 6 વર્ષ
માનવીને ચંદ્ર પર મોકલવો અને ત્યાંથી સકુશળ પાછો લાવવા માટે એક અત્યંત શક્તિશાળી અને મજબૂત અંતરિક્ષ યાન અને રોકેટ બનાવવાનું હતું. તેના માટે નાસાએ સતત 6 વર્ષની આકરી મહેનત પછી લૂનર મોડલ તૈયાર કર્યું હતું, જેને ઈગલ નામ અપાયું હતું. રોકેટને ચંદ્ર સુધી પહોંચાડવા અને પાછું લાવવા માટે શક્તિશાળી રોકેટ એન્જિન પણ જરૂરી હતું. નાસાએ વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્બશન એન્જિનનું મોડલ તૈયાર કર્યું અને 7 વર્ષ સુધી તેનું પરીક્ષણ કર્યું હતું. 

બનાવ્યો પ્રોજેક્ટ જેમિની
માનવીને ચંદ્ર પર મોકલવાના મિશનની ટેક્નોલોજીને સમજવા અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે નાસાએ 1961માં પ્રોજેક્ટ જેમિનીની શરૂઆત કરી હતી. 1966 સુધી ચાલેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 10 વખત માનવીને પૃથ્વીની કક્ષાની બહાર અંતરિક્ષમાં મોકલીને ધરતી પર પાછા લાવવામાં આવ્યા. આ દરમિયાન માનવીના શરીર અને આરોગ્ય પર અંતરિક્ષની થતી અસરોને સમજવામાં આવી. સાથે જ અનેક ટેક્નિકલ બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. 

ત્રણ અમેરિકન અવકાશયાત્રીનું થયું મોત
ચંદ્ર પર માનવીને મોકલતાં પહેલાં નાસાએ એક પરીક્ષણ મિશન પણ કર્યું હતું. એપોલો-1 નામનાઆ માનવ મિશન અંતર્ગત ત્રણ અમેરિકન અંતરિક્ષ યાત્રીને પ્રથમ વખત પૃથ્વીની કક્ષાની બહાર અંતરિક્ષમાં મોકલીને તેમને ધરતી પર પાછા લાવવાના હતા. આ નાસાના ચંદ્ર મિશનનું રિહર્સલ હતું. 27 જાન્યુઆરી, 1967ના રોજ જ્યારે અપોલો-1 લોન્ચ કરાયું તો તેની કેબિનમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં ત્રણેય અંતરિક્ષયાત્રી વર્જિલ આઈ ગસ ગ્રિસમ, એડ. વ્હાઈટ અને રોજર.બી. ચૈફીનું નિધન થઈ ગયું હતું. 

નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય બેની પસંદગી
માનવીને ચંદ્ર પર મોકલવાના મિશન પહેલા ત્યાં કોને મોકલવું તેના અંગે નાસા દ્વિધામાં હતું. આથી, નાસાએ અમેરિકાની વાયુસેના સહિત અન્ય વિભાગોમાં કામ કરતા પાઈલટો અને અન્ય નિષ્ણાતો અંગે માહિતી એક્ઠી કરી. નાસાનું માનવું હતું કે ચંદ્ર પર એવા લોકોને મોકલી શકાય, જેમને ઉડ્ડયન ક્ષેત્રનો બહોળો અનુભવ હોય. એક્ઠી થયેલી માહિતીમાંથી નાસાએ નવા વિમાનોનું પરિક્ષણ કરતા પાઈલટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 

નાસાએ લગભગ 15 પાઈલટની છટણી કરી અને તેમાંથી 3 પાઈલટને ચંદ્ર પર મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરી. નાસાએ કરેલા અનેક પરીક્ષણ અને દરેક પ્રકારની કસોટીમાં પાસ થયા પછી નીલ આર્મસ્ટ્રોંગ, બજ આલ્ડ્રિન અને માઈક કોલિન્સની ચંદ્રના એપોલો-11 મિશન માટે પસંદગી કરવામાં આવી. 

16 જુલાઈના રોજ લોન્ચ થયું હતું એપોલો-11
નાસાએ લગભગ એક દાયકાની આકરી મહેનત પછી 16 જુલાઈ, 1969ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આંતરરાષ્ટ્રીય સમયાનુસાર બપોરે 1.32 કલાકે એપોલો-11 મિશન લોન્ચ કર્યું હતું. તેને સેટર્ન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ હતા. પ્રક્ષેપણને સમગ્ર દુનિયામાં ટીવી પર દેખાડવામાં આવ્યું. એપોલો-11 જ્યારે લોન્ચ થયું તો તેના શક્તિશાળી એન્જિનના કારણે આજુબાજુની ઈમારતો હચમચી ગઈ હતી. 

19 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 ચંદ્રની કક્ષામાં દાખલ થયું હતું. અંતરિક્ષ યાત્રી જ્યારે ચંદ્રની કક્ષામાં પહોંચ્યા તો તેમણે જોયું કે ચંદ્રની સપાટી ઘણી જ ખરબચડી અને ઊંચા-નીચા પર્વતોથી બનેલી છે. ચંદ્રની સપાટી પર ઊંડા-ઊંડા ખાડા પણ હતા. હવે અંતરિક્ષ યાત્રીઓએ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સુરક્ષિત સ્થાન શોધવાનું હતું. નાસાએ 6 વર્ષની આકરી મહેનતમાં એ સ્થાન પણ પહેલાથી જ શોધીને રાખ્યું હતું, જ્યાં અંતરિક્ષ યાન ઉતારી શકાય. 

20 જુલાઈના રોજ ચંદ્ર પર ઉતર્યું યાન
20 જુલાઈના રોજ ચંદ્રની કક્ષામાં રહેલા એપોલો-11ના ભાગ કોલંબિયામાંથી ઈગલને છુટું પાડીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેના માટે નીલ આર્મસ્ટ્રોંગ અને બજ આલ્ડ્રિન ઈગલ પર સવાર થયા. માઈક કોલિન્સ ચંદ્રની કક્ષા પર રહેલા કોલંબિયામાં જ રહ્યો. આ લેન્ડર ઈંગલે ચંદ્ર પર ઉતર્યા પછી પાછા ઉડાન ભરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવાનું પણ હતું. 

નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિનને લઈને ઈગલ લેન્ડર ચંદ્રની ધરતી પર 20 જુલાઈ, 1969ના રોજ રાત્રે લગભગ 8 કલાકે ઉતર્યું. ત્યાર પાછી બંનેએ અનેક કલાક સુધી તૈયારી કરી. પછી 21 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે માનવી તરીકે ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુક્યો. તેના થોડા સમય પછી આલ્ડ્રિન પણ ત્યાં ઉતર્યો. બંનેએ ચંદ્રની સપાટી અને માટીના નમૂના લીધા. બંનેએ ચંદ્રની સપાટી પર 21 કલાક અને 31 મિનિટ પસાર કરી હતી. 

ફરી પાછા કોલંબિયા સાથે જોડાવાનું મિશન
ચંદ્રની સપાટી પર મિશન પુરું કર્યા પછી બંને ફરી પાછા તેમના ઈગલ યાનમાં બેઠા અને ચંદ્રની કક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવા માટે ઉડાન ભરી. માનવ ઈતિહાસમાં આ બધું જ પ્રથમ વખત ઘટી રહ્યું હતું. ઈગલમાં ઈંધણ ઓછું હતું, તેમ છતાં તેઓ 21 જુલાઈના રોજ કોલંબિયા સુધી સકુશળ પહોંચવામાં સફળ રહ્યા. બંને યાન એક-બીજા સાથે જોડાયા. પછી ત્રણેય અંતરિક્ષ યાત્રી કોલંબિયા યાનમાં સવાર થઈને 24 જુલાઈ, 1969ના રોજ પૃથ્વી પર પાછા ફર્યા. તેમનું યાન પ્રશાંત મહાસાગરમાં પડ્યું. અહીંથી ત્રણેયને 21 દિવસ સુધી જુદા-જુદા રૂમમાં રાખવામાં આવ્યા, જેથી એ તપાસી શકાય કે અંતરિક્ષમાં આટલો સમય સુધી રહેવાના કારણે તેમને કોઈ ચેપ તો લાગ્યો નથી. 

લોન્ચ થયા પછુ તુટી ગયો હતો સંપર્ક
નાસાએ 16 જુલાઈ, 1969ના રોજ એપોલો-11 લોન્ચ કર્યું હતું. લોન્ચિંગના થોડા સમય પછી જ નાસાના વૈજ્ઞાનિકોનો યાન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. નાસાના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે હવે આ યાન સાથે ફરીથી સંપર્ક સાધી શકાશે નહીં. જોકે, ત્રણ અંતરિક્ષ યાત્રીઓએ જ્યારે ચંદ્રની કક્ષામાં યાનને પહોંચાડ્યું ત્યારે પૃથ્વી પર રહેલા વૈજ્ઞાનિકોનો સંપર્ક આ યાન સાથે ફરીથી સધાઈ ગયો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news