અમેરિકાના વર્જિનિયામાં મ્યુનિસિપલ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર, 12 મોત, 6 ઘાયલ

પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક મ્યુનિસિપલ બિલ્ડિંગમાં કર્મચારીઓ કામ કરતા હતા ત્યારે એક શખ્સ અંદર ઘુસી આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી
 

અમેરિકાના વર્જિનિયામાં મ્યુનિસિપલ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર, 12 મોત, 6 ઘાયલ

વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં બીચની નજીક આવેલી મ્યુનિસિપલ બિલ્ડિંગમાં એક કર્મચારીએ અંદર ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારમાં 12 લોકોનાં મોત થયા અને 4થી વધુ ઘાયલ થયા છે. ગોળીબારીની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 4.00 કલાકે થઈ હતી. જોકે, પોલીસ સાથેની અથડામણમાં આ શંકાસ્પદ ગોળીબાર કરનારા વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે. જોકે, હજુ સુધી તેની ઓળખ કરી શકાઈ નથી. 

પોલીસ અધિકારી જેમ્સ સેરવેરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 6 ઘાયલ લોકોમાંથી 1 પોલીસ કર્મચારી છે, પરંતુ બુલેટપ્રૂફ જેકેટના કારણે તેનો જીવ બચી ગયો હતો. સેરવેરાએ જણાવ્યું કે, બંદૂકધારી નગરપાલિકાની બિલ્ડિંગમાં અચાનક ધસી આવ્યો હતો અને તેણે અંદર ઘુસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વર્જિનિયાના મેયર બોબી ડાયરે આ ઘટનાને વર્જિનિયા બીચના ઇતિહાસમાં સૌથી વિનાશક દિવસ જણાવ્યો હતો. 

ગોળીબારીની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને તેણે સમગ્ર બિલ્ડિંગને ઘેર લીધી હતી. પોલીસે સૌથી પહેલા બિલ્ડિંગમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને પછી ગોળીબાર કરનારની સામે વળતો જવાબ આપ્યો હતો, જેમાં ગોળીબાર કરનારા શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું હતું. 

આ ઘટના અંગે મ્યુનિસિપલ બિલ્ડિંગમાં કામ કરતી વહીવટી મદદનીશ કર્મચારી મેગન બેટને જણાવ્યું કે, તેણે જ્યારે ગોળીઓનો અવાજ સાંભળ્યો તો સૌથી પહેલા તેણે 911 પર ફોન કર્યો હતો. ત્યાર પછી પોતાને અને તેની સાથે રહેલા 20 જેટલા કર્મચારીઓને ઓફિસમાં જ કેદ કરી દીધા હતા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને તેની પાછળ ટેબલ ગોઠવી દીધું હતું. 

તેણે કહ્યું કે, "અમે દરેક લોકોને સલામત રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. અમે બધા જ લોકો ગભરાઈ ગયા હતા અને અમને આ એક સ્વપ્ન હોય એવું લાગતું હતું. મને એમ હતું કે હું હવે મારા 11 મહિનાના બાળકને ફરીથી જોઈ શકીશ કે નહીં?"

— The Associated Press (@AP) June 1, 2019

સરકારે આ ઘટના પછી પીડિતોના સગાસંબંધીઓને વધુ માહિતી માટે એક મિડલ સ્કૂલમાં એક્ઠા થવા માટે જણાવ્યું ચે. પોલીસ અને અન્ય જાહેર સુરક્ષા કર્મચારીઓ મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news