પોતાના નેતાઓને બોલવામાં સરકારની જીભ કેમ ઉપડતી નથી? વડોદરામાં ભાજપના નેતા બન્યા બેફામ

Updated By: Dec 29, 2020, 12:00 PM IST
પોતાના નેતાઓને બોલવામાં સરકારની જીભ કેમ ઉપડતી નથી? વડોદરામાં ભાજપના નેતા બન્યા બેફામ
  • દિનેશ પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
  • પોલીસની હાજરીમાં જ નિયમો નેવે મૂકાયા હતા, ત્યારે પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં આજે બરોડા ડેરીના ડિરેક્ટરની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. બરોડા ડેરીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલે સત્તા હાંસલ કરી છે. પરંતુ ભાજપના નેતાઓ જીતના જશ્નમાં ભાન ભૂલ્યા હતા. સામાન્ય માણસો જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો તેમના પર કાયદો લાદીને દંડ ફટકારાયા છે. તાજેતરમાં જ અમરેલીમાં 17 યુગલોના સમૂહ લગ્ન સોશિયલ ડિસ્ટન્સના નામે અટકાવાયા હતા. જાન લીલા તોરણે પાછી મોકલાઈ હતી. ત્યારે હવે ભાજપના જ નેતાઓ ભીડ ભેગી કરીને જશ્ન કરતા દેખાયા. ઉપરથી નેતા દિનુ મામાએ પોલીસની હાજરીમાં નિયમો નેવે મૂકીને મીડિયા સામે કહ્યું કે, કોરોના પાદરામાં ભલે ચાલતો હોય, અમારા કોઈ કાર્યકર્તાને કોરોના થયો નથી. મને તો આજદિન સુધી થયો નથી. આજે તો આવુ જ થાય, શું કરવાનું? આ લગ્ન નથી, લગ્નથી ઉપર છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2021ની થઈ જાહેરાત

બરોડા ડેરીની ચૂંટણી બાદ ભાજપ પ્રેરિત વિજેતા સભ્યોએ કાઢી રેલી હતી. આ રેલીમાં કોરોના નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. દિનેશ પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. વર્તમાન ડેરી પ્રમુખ અને વિજેતા ઉમેદવાર દિનુ મામાએ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. તો બીજી તરફ રેલીમાં હાજર અનેક કાર્યકર્તાઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. પોલીસની હાજરીમાં જ નિયમો નેવે મૂકાયા હતા, ત્યારે પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. 

રેલીમાં ઢોલ નગારા વગાડ્યા, ફટાકડા ફોડયા અને લોકોની ભારે ભીડ ભેગી કરીને કોરોના નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. નિયમોનું પાલન ન કરનારા દિનુ મામાએ શરમ કરવાના બદલે વિજય સરઘસને નિયમો લાગુ નથી પડતાં તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. તો બીજી તરફ, જીત બાદ આ વિશે પૂછતા દિનેશ પટેલે શરમજનક જવાબો મીડિયાને આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોરોના પાદરામાં ભલે ચાલતો હોય, અમારા કોઈ કાર્યકર્તાને કોરોના થયો નથી. મને તો આજદિન સુધી થયો નથી. આજે તો આવુ જ થાય, શું કરવાનું? આ લગ્ન નથી, લગ્નથી ઉપર છે. લગ્નમાં નિયમનું પાલન જરૂરી, વિજય સરઘસમાં નહિ. વિજય સરઘસમાં લોકો જાતે આવ્યા છે. આ લગ્નથી કંઇક ઉપર છે.  

આ પણ વાંચો : શેહશરમ રાખ્યા વગર બેરોજગાર બનેલા રાજકોટના ટ્યુશન સંચાલકે શરૂ કરી પાણીપુરીની લારી

તો બીજી તરફ, કોંગ્રેસ પ્રેરિત વિજેતા ઉમેદવાર પણ રેલીમાં માસ્ક વગર જોડાયા હતો. તેઓ પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. બરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો જીત્યા બાદ રેલી કાઢવામાંઆવી હતી. 

સતત વધી રહેલા આવા કિસ્સાઓ સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. શું કોરોનાની ગાઈડલાઈન સામાન્ય જનતા માટે જ છે. નેતાઓ શહેરો-ગામડાઓમાં રેલીઓ, બેઠકો કરીને ભીડ ભેગી કરે છે. પણ કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે. સામાન્ય નાગરિકોના કાર્યક્રમો પર કાર્યવાહી કરાય છે. પણ નેતાઓના કાર્યક્રમોની વાત આવે તો સરકાર મૂંગી બની જાય છે. સવાલ એ છે કે, પોતાના નેતાઓને બોલવામાં સરકારની જીભ કેમ ઉપડતી નથી, જેઓ રેલી કાઢીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે. સરકાર જાગશે તો લોકો જાગશે.