સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

RTI કરનારે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે, આ સંસ્થાઓએ જ્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની વાત કરી હતી ત્યારે હવે આ બિલ શેના? અને કોર્પોરેશન પણ આ બિલ શા માટે ચૂકવી રહી છે?

સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

ચેતન પટેલ/સુરત :સુરત અને કૌભાંડ હવે એકબીજાના પર્યાય બની ગયા છે તેવું લાગી રહ્યું છે. કોરોનાના આ સમયમાં દર્દીઓના આંકડામાં ગોલમાલ કોઈ નવી વાત રહી નથી. ત્યાં હવે કોરોના સમયમાં ભૂખ્યાને ભોજન કરાવવામાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું એક RTI થી બહાર આવ્યું છે. શું છે આખી હકીકત આવો જાણીએ. 

ભૂખ્યાને ભોજન જમાડવાના કરોડોના રૂપિયાના બિલ બન્યા 
સુરત એ મિની ભારત કહેવામાં આવે છે. કારણ કે અહીં સ્થપાયેલ ઉદ્યોગોથી રોજીરોટી મેળવવા માટે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે. જોકે માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત અહીં કામ અર્થે રહેતા શ્રમિકોની થઈ હતી. રોજી ગુમાવવાની સાથે રોટીનો મોટો પ્રશ્ન તેમની સામે ઉભો થયો હતો. આવા સમયે સુરતમાં અલગ અલગ નામથી સામાજિક સંસ્થાઓ સામે આવી અને આ શ્રમિકોને બે સમય ભરપેટ ભોજન પૂરું પાડ્યું. સેવા કરતા સમયે આ એક નિસ્વાર્થ ભાવે કરાયેલી સેવા હોવાનું જણાવવામાં આવ્યું. પણ હવે જ્યારે અનલોકમાં બધું પૂર્વવત થયું છે ત્યારે પાલિકામાં કરાયેલ એક RTI એ સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા કરાયેલ એક RTI માં એ તથ્ય બહાર આવ્યું છે કે, લોકડાઉન દરમ્યાન ભૂખ્યાને ભોજન કરાવનાર સંસ્થાઓએ હવે લાંબી અને તગડી રકમના બિલ મહાનગરપાલિકા સામે મૂક્યા છે. અને પાસ પણ કરાવી લીધા છે. કોઈક સંસ્થાના બિલ લાખમાં છે, તો કોઈ સંસ્થાના બિલ કરોડો રૂપિયામાં છે.

આ પણ વાંચો : ‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video

RTI માં થયો ખુલાસો 
RTI કરનારે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે, આ સંસ્થાઓએ જ્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની વાત કરી હતી ત્યારે હવે આ બિલ શેના? અને કોર્પોરેશન પણ આ બિલ શા માટે ચૂકવી રહી છે? લોકડાઉન દરમ્યાન આવી એનજીઓએ કરાવેલ ભોજનમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણીએ કર્યો છે. નવાઈની વાત તો એ છે કે, ત્યારે કોર્પોરેશને પણ આવી સંસ્થાઓની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી છે તો હવે સ્વાર્થના નામે રૂપિયા ઉઘરાવવા આવેલી સંસ્થાઓને શા માટે રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 15 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે અને હજી 22 કરોડ જેટલી રકમ ઉધના અને અન્ય ઝોનમાં સંસ્થાઓએ ભોજન માટે ક્લેઇમ કરી છે. 

મેયર ભલે આ વાતમાં ભ્રષ્ટાચાર નહિ ગણતા હોય કે વાતને હસવામાં કાઢતા હોય પણ એક વાત ચોક્કસ છે કે દાળમાં કંઈક તો રંધાયું છે. આ RTIમાં ભાજપના કાર્યકર્તા જેમાં પુરોહિત થાળી ચલાવતા ભાજપના સક્રિય કાર્યકર દિનેશ પુરોહિતે પણ પોતાની સંસ્થાના નામે બિલ ક્લેઇમ કર્યા છે તેવો આક્ષેપ છે ત્યારે આ બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news